ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં 2013ના કોમી રમખાણ મામલે ચુકાદો આપવામાં આવ્યો છે. મંગળવારે એક વિશેષ સાંસદ ,ધારાસભ્ય અદાલતે ભાજપના ધારાસભ્ય વિક્રમ સૈની અને અન્ય 11ને દોષિત ઠેરવ્યા છે. બેને સજા સંભળાવી છે. જો કે, તમામને વ્યક્તિગત બોન્ડ પર પણ મુક્ત કરવામાં આવ્યા હતા.
વિશેષ સાંસદ,ધારાસભ્ય કોર્ટના ન્યાયાધીશ ગોપાલ ઉપાધ્યાયે ખતૌલી વિસ્તારના બીજેપી ધારાસભ્ય વિક્રમ સૈની અને અન્ય 11 આરોપીઓનેદોષિત ઠેરવ્યા હતા.પુરાવાના અભાવે 15 આરોપીઓને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા છે જો કે, સજા પછી, ભાજપના ધારાસભ્ય અને અન્ય દોષિતોને 25,000 રૂપિયાની બે જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. આ તમામને જામીન મળ્યા પહેલા કેટલાક કલાકો સુધી ન્યાયિક કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. જામીન મળ્યા બાદ હવે તેઓ કોર્ટના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારી શકશે. મુઝફ્ફરનગર રમખાણોનું મુખ્ય કારણ ગણાતી કવલ ઘટનામાં બીજેપી ધારાસભ્ય વિક્રમ સૈની અને અન્ય 26 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો.
ઓગસ્ટ 2013માં કવલ ગામમાં છેડતીના કેસમાં ગૌરવ, સચિન અને શાહનવાઝ નામના ત્રણ યુવકોની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાએ સાંપ્રદાયિક રંગ લીધો હતો. ગૌરવ અને સચિનના અંતિમ સંસ્કાર કર્યા બાદ પરત ફરી રહેલા ટોળાએ હિંસક વલણ અપનાવ્યું હતું અને ઘણા ઘરોને આગ ચાંપી દીધી હતી. આ કેસમાં સૈની સામે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.
કવલની ઘટના પછી, સપ્ટેમ્બર 2013માં મુઝફ્ફરનગર અને તેની આસપાસના કેટલાક જિલ્લાઓમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા, જેમાં ઓછામાં ઓછા 60 લોકો માર્યા ગયા હતા અને 40,000 અન્ય લોકોએ તેમના ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ જવું પડ્યું હતું. હવે કોર્ટે ભાજપના ધારાસભ્ય સહિત 12 લોકોને દોષિત ઠેરવ્યા છે, તમામને બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે, જોકે તમામને જામીન મળી ગયા છે.