ભાવનગર મહાનગર પાલિકામાં મળતી સ્ટેન્ડિંગ કમિટીમાં મહત્વપૂર્ણ કાર્યો અને ઠરાવો રજૂ થતા હોય છે પરંતુ શહેરમાં ધીમી પડેલી વિકાસની ગતિને કારણે દર વખતે બે પાંચ કાર્યો મુદ્દત વધારાના આવી પડે છે, આગામી સ્ટેન્ડિંગમાં પણ મુદ્દત વધારી આપવા ર્નિણય થશે. શહેરમાં ફ્લાય ઓવર બ્રિજ આ વખતે વિધાનસભા ચૂંટણીમાં વિકાસનો મહત્વનો મુદ્દો બનવાનો હતો પરંતુ શાસકો કામ નહિ લઈ શકતા જસ લેવાની જગ્યાએ હવે મુદત વધારી આપવાના ઠરાવને મંજૂરીની મ્હોર મારવી પડશે.!
શહેરમાં પ્રથમ બની રહેલો ફ્લાય ઓવર બ્રિજ સમગ્ર ભાવનગરીઓનું દિવા સ્વપ્ન છે પરંતુ વિકાસમાં ઢીલીનીતી અને શાસકોની નબળાઈના કારણે ફ્લાય ઓવર બ્રિજનું કામ માંડ ૫૦% થયું છે જ્યારે મુદત પૂર્ણ થઈ તેને પણ બે મહિના વીતી ગયા છે. આમ હવે, શાસકોએ વધુ ૧૮ માસની મુદત લંબાવી આપવા ર્નિણય કરવો પડશે. આગામી ૧૪મિએ મળનારી સ્ટેન્ડિંગમાં મુદત વધારી આપવા મંજૂરીની મહોર લાગશે આ ઉપરાંત અક્ષર પાર્ક રોડ પર પાણીની લાઈન નાખવાનું કામ છ માસમાં પૂર્ણ કરવાનું હતું તેની મુદત ૧૦ માસ માટે વધારવા, યોગીનગરથી એરપોર્ટ રોડ સુધીની મુદત નવ માસની હતી તેને વધુ નવ માસ લંબાવાશે. તદુપરાંત જુદા જુદા વિસ્તારના રહેણાકી લીઝહોલ્ડ પ્લોટની મુદતમાં વધારો કરવા સહિતના જુદા જુદા ૩૦ કાર્યોને ચર્ચા કરી ર્નિણય કરવામાં આવનાર છે.