ભાવનગરના ચિત્રા માર્કેટિંગયાર્ડ પાસે ગત મોડી રાત્રીના સમયે અતુલ લોડીંગ રીક્ષાને પુરપાટ ઝડપે જઈ રહેલી કારે ટક્કર મારતા માર્કેટિંગ યાર્ડમાં સીતાફળ ઉતારવા આવેલા કણકોટ ગામના વ્યક્તિનું મોત થયું હતું જ્યારે રીક્ષાના ચાલકને ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ ઘોઘા તાલુકાના કણકોટ ગામમાં રહેતા કરણભાઈ ઉર્ફે રમેશભાઈ કાનજીભાઈ દહિયા ગામમાં રહેતા લીંબાભાઇ ભીખાભાઈ ચૌહાણની અતુલ લોડીંગ રીક્ષામાં સીતાફળ ભરીને માર્કેટિંગ યાર્ડમાં ઉતારવા આવ્યા હતા અને સીતાફળ ઉતારી રાત્રીના સાડા બાર વાગ્યા આસપાસ ઘરે પરત જવા નીકળ્યા ત્યારે માર્કેટિંગ યાર્ડના બે નંબરના ગેટ પાસે ડિવાઈડ નજીક પુરપાટ ઝડપે જઈ રહેલી કારે પાછળથી રીક્ષાને ટક્કર મારતા રીક્ષા પલટી ખાઈ ગઈ હતી.
અકસ્માતની આ ઘટનામાં કરણભાઈ અને લીંબાભાઈને ઇજા થતાં સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલ ખસેડવામાં આવેલ જ્યાં કરણભાઈનું ટૂંકીસારવાર બાદ મોત નીપજ્યું હતું.
આ બનાવ અંગે લીંબાભાઇ ચૌહાણએ અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવતા બોરતળાવ પોલીસે તપાસ હાથ ધરી છે.