બોગસ બિલિંગ કૌભાંડમાં ચોક્કસ તત્વોએ ભાવનગરને હબ બનાવી દેતા અને કૌભાંડ આચરનાર તત્વો જીએસટી અધિકારીઓને ધમકાવવા, માર મારવો જેવી પ્રવુતિઓ પર ઉતરી આવતા તેના ઘેરા પડઘા પડ્યા હતા અને ગંભીરતાથી નોંધ લઈ અધિકારીઓને સખતાઈથી વર્તવા છૂટો દૌર મળ્યો છે, ઉપરાંત લાંબા સમયથી રેગ્યુલર કમિશનરની ખુરશી ખાલી હતી અને અમદાવાદ, રાજકોટના કમિશનરને ચાર્જ સોપાતો આવતો હતો. આખરે હવે ભાવનગરને રેગ્યુલર કમિશનર મળ્યા છે, આથી આ વખતે દિવાળીમાં ફટાકડા ફૂટે કે ન ફૂટે પરંતુ હવે સીજીએસટી તંત્ર ધમાકો કરશે તે નિશ્ચિત મનાઇ રહ્યું છે!!
બોગસ બિલિંગ પ્રવૃતિઓમાં ચોક્કસ લોકો ફાટીને ધુમાડે ગયા છે. જાેકે, આ બધાને પાળીને પોસવામાં તંત્રના જ કેટલાક જે તે સમયના અધિકારીઓની ભાગ બટાઈ હોવાનું ચર્ચામાં આવ્યું હતું. પરંતુ હવે નવા ઓફિસરો નવી પદ્ધતિ સાથે કાર્યવાહીના મૂડમાં જણાય છે.! સીજીએટી અધિકારીઓ સાથે બળજબરી, મારામારીની બે ઘટના બાદ હવે સ્ટાફ રિવોલ્વરના રક્ષણ સાથે આત્મ ર્નિભર બનીને કાર્યવાહી કરવા નીકળે છે, ભાવનગરને હવે રેગ્યુલર કમિશનર પણ મળી ગયા છે આથી કાર્યવાહી તેજ બનશે.
ઉપલબ્ધ વિગતો અનુસાર મુંબઈ કસ્ટમમાં ફરજ બજાવતા સુખજીત કુમારને પ્રમોશન સાથે ભાવનગરમાં સીજીએસટીના કમિશનર તરીકે મુકાયા છે આથી હવે અધિકારીઓએ કોઈ પણ એક્શન લેવી હશે તો મંજૂરી કે પરામર્શ માટે રાજકોટ કે અમદાવાદ નહિ જવું પડે.