ચાર મોટી સરકારી વીમા કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓને સરકાર તરફથી દિવાળી ગિફ્ટ મળી છે. સરકારે ચાર વીમા કંપનીઓના કર્મચારીઓ અને અધિકારીઓના પગારમાં 12 ટકા વધારો કર્યો છે જે તેમને ઓગસ્ટ 2017ની પાછલી અસરથી મળશે. 12 ટકા વધારાને કારણે સરકારી તિજોરી પર વર્ષે 8000 કરોડનો બોજ પડશે. નાણાં મંત્રાલય દ્વારા 14 ઓક્ટોબરે જાહેર કરવામાં આવેલા ગેઝેટેડ નોટિફિકેશનમાં આ અંગેની માહિતી આપવામાં આવી છે. આ યોજનાને જનરલ ઇન્શ્યોરન્સ (અધિકારીઓના પગારધોરણ અને સેવાઓની અન્ય શરતોનું તર્કસંગતકરણ) સુધારા યોજના 2022 નામ આપવામાં આવ્યું છે.
નાણાં મંત્રાલયના નોટિફિકેશન અનુસાર, વીમા કંપનીઓના કર્મચારીઓ અને અધિકારીઓને પાંચ વર્ષનું એરિયર પણ મળશે આ તમામ લાભ 1 ઓગસ્ટ 2017ની પાછલી અસરથી મળશે. ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ લિમિટેડ, યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ લિમિટેડ, ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ અને નેશનલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડનો સમાવેશ થાય છે. તેનાથી કેન્દ્ર સરકારની તિજોરી પર 8000 કરોડ રૂપિયાનો બોજો પડશે.
નિવૃત્ત કર્મચારીઓને પણ મળશે લાભ
વેતન સુધારણા દર પાંચ વર્ષે કરવામાં આવે છે. આ વખતે આ ચાર જનરલ ઈન્સ્યોરન્સ કંપનીઓના કર્મચારીઓના વેતનમાં સુધારો કરવામાં આવ્યો છે, જે પાંચ વર્ષ મોડું થયું છે. તેમનું આગામી વેતન સુધારણા પણ ઓગસ્ટ 2022 માં બાકી છે. જો કે આ વેતન સુધારણાનો લાભ તે સમયે આ કંપનીઓની સેવામાં રહેલા નિવૃત્ત કર્મચારીઓને પણ મળશે.