ગુજરાત સરકારની ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝે મોટી સિદ્ધિ સામે આવી છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનમાં સ્થાન મળ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા ખાતે ‘ગુજરાત જ્ઞાન ગુરુ – G3Q મેગા ફિનાલે ક્વિઝ’ પ્રસંગે જણાવ્યું હતુ કે, રાજ્ય સરકારની કામગીરી જેમ કે સરકાર કેવી રીતે કામ કરી રહી છે, સરકાર ક્યાં કામ કરી રહી છે, કંઇ યોજનાઓ સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે તેની માહિતી ગુજરાતની જનતા સુધી પહોંચાડવાનું કામ આ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝે કર્યું છે. મુખ્યમંત્રીએ સમગ્ર ક્વિઝનું આયોજન કરવા બદલ શિક્ષણ વિભાગનો આભાર પણ વ્યકત કર્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું કે, નરેન્દ્રભાઇનો હરહંમેશથી પ્રયાસ રહ્યો છે કે દરેક વ્યક્તિ સરકારની સાથે જોડાયેલી રહે અને તેનું ઉત્તમ ઉદાહરણ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝે પૂરું પાડ્યું છે. શ્રી નરેન્દ્રભાઇએ છેવાડા માનવીને સરકારી યોજનાનો લાભ મળે તેવા પ્રયાસો કર્યા છે. આજે નરેન્દ્રભાઇના નેતૃત્વ અને માર્ગદર્શનમાં રાજ્ય સરકારની તમામ યોજનાઓ લાભ સાચા લાભાર્થીઓને મળી રહ્યો છે. એટલું જ નહીં સરકારની યોજનાનો લાભ લાભાર્થીઓને તેમના ઘર સુધી પણ પહોંચાડવામાં આવી રહ્યો છે એમ મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ગુજરાત આવનારા સમયમાં ડબલ સ્પીડે આગળ વધશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો. આ અવસરે મુખ્યમંત્રીએ રાજ્યની જનતાને દિવાળીની શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ કહ્યું કે, આ ક્વિઝ શરૂ કરી ત્યારે કોઇને વિશ્વાસ નહોતો કે આ ક્વિઝને આટલી મોટી સફળતા મળશે. આ ક્વિઝને ‘વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન’માં સ્થાન પ્રાપ્ત થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણા અને માર્ગદર્શન થકી આ ક્વિઝ વિશ્વની સૌથી મોટી ક્વિઝ બની છે. શિક્ષણ વિભાગ માટે આ ગૌરવની વાત છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં 27 લાખથી વધુએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને 25 લાખથી વધુ લોકો આ ક્વિઝ રમ્યા છે. એટલું જ નહીં 1 લાખ 25 હજારથી વધુ લોકો આ ક્વિઝમાં વિજેતા પણ બન્યા છે. આ વિજેતાઓને રૂપિયા 25 કરોડથી વધુના ઇનામો પણ અપાયા હતા.આમ, ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ થકી યુવાનોને પ્લેટફોર્મ આપવાનું કામ મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે કર્યું છે એમ શિક્ષણમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિજેતાઓની ઘોષણા, ઈનામી રકમના ચેક, પ્રમાણપત્ર અને ટ્રોફી વિતરણ તથા GSIRF2022ના Five Star પ્રાપ્ત કરનાર યુનિવર્સિટી અને સંસ્થાઓને પ્રમાણપત્ર વિતરણ પણ કરવામાં આવ્યા હતા. આ અવસરે સહકાર મંત્રી જગદીશભાઇ વિશ્વકર્મા, રાજ્યકક્ષાના મંત્રી કીર્તિસિંહ વાધેલા, શિક્ષણ અગ્ર સચિવ એસ.જે હૈદર, શિક્ષણ કમિશ્નર નાગરાજન, આઇ.આઇ.ટી.ઇ.ના કુલપતી હર્ષદભાઇ પટેલ, ગુજરાત યુનિવર્સિટીના કુલપતી હિમાંશુ પંડ્યા તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.