આ વર્ષે દીપોત્સવિના પર્વમાં ધોકો, તિથિના ક્ષયને લઈ તહેવારોની ઉજવણીને લઈ લોકો મૂંઝવણમાં હતા. તેમાં પણ સોમવારે દિવાળી અને મંગળવારે ધોકાના કારણે સરકારી કર્મચારીઓને સળંગ રજાનો લાભ મળી શકે તેમ ન હોય, સરકારી કર્મચારીઓને સળંગ રજા લેવી કે કેમ ? તેવી મૂંઝવણ સતાવતી હતી. પરંતુ રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગે કર્મચારીઓને દિવાળીની સળંગ રજાની ભેટ આપતો ર્નિણય કરી મંગળવારે જાહેર રજા જાહેર કરી તેના બદલામાં આગામી માસના બીજા શનિવારે કચેરીઓ શરૂ રાખવાનો ર્નિણય કર્યો છે.
સરકારી કચેરીઓમાં તા.૨૪-૧૦ને સોમવારે દિવાળીની અને તા.૨૬-૧૦ને બુધવારે નૂતન વર્ષની રજા જાહેર કરવામાં આવી હતી. જ્યારે તા.૨૫-૧૦ને મંગળવારે સરકારી કચેરીઓ શરૂ રાખવામાં આવનાર હતી. પરંતુ કર્મચારીઓ-અધિકારીઓ દિવાળીનો તહેવાર માણી શકે તે માટે રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે આજે શુક્રવારે ૨૫મીને મંગળવારે રાજ્ય સરકારની તમામ કચેરીઓ, રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ, કોર્પોરેશન તેમજ પંચાયત સહિતની કચેરીઓના કર્મચારીઓમાં રજા જાહેર કરવામાં આવી છે. તેના બદલે તા.૧૨-૧૧ના રોજ બીજા શનિવારે તમામ કચેરીઓ શરૂ રાખવામાં આવશે. મંગળવારે રજા જાહેર થતાં હવે આજથી શરૂ થયેલું દિવાળી વેકેશન હવે ગુરુવારે પૂર્ણ થશે.