આમ આદમી પાર્ટી સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ચલણી નોટમાં લક્ષ્મીના ફોટાની માગ ઉઠાવી છે. જે ને લઇને ભારે વિવાદ સર્જાયો છે. અરવિંદ કેજરીવાલની માગ પર પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે પ્રહાર કર્યા હતા. પાટણમાં સી.આર. પાટીલે નિવેદન આપી જણાવ્યું હતું કે દિલ્લી અને પંજાબના કાર્યાલયમાંથી ગાંધીજીની તસ્વીર હટાવી દેવામાં આવી છે હવે નોટોમાંથી પણ ગાંધીજીનો ફોટો હટાવી ના લે એ માટે સાવચેત રહેવાની જરૂર છે.
બે દિવસ અગાઉ આમ આદમી પાર્ટી સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ યોજી ભારતીય ચલણી નોટોને લઇને મહત્વનું નિવેદન આપ્યું હતું. જેમાં કહ્યું કે, ‘મોદી સરકારને મારી અપીલ છે કે ભારતમાં ચલણી નોટો પર ગાંધીજીની તસવીર સાથે લક્ષ્મીજી અને ગણેશજીની તસવીર પણ લગાવવામાં આવે. વધુમાં કેજરીવાલે જણાવ્યું કે, ‘અમે એમ નથી કહી રહ્યાં કે તમામ નોટો બદલવામાં આવે. પરંતુ જે નવી નોટો છાપવામાં આવે તેની પર લક્ષ્મીજી અને ગણેશજીની તસવીર હોય. ઇન્ડોનેશિયા એક મુસ્લિમ દેશ છે. ત્યાં 85% વસ્તી મુસ્લિમ છે, 2% હિંદુ છે, તેમ છતાં તેઓએ ચલણી નોટો પર ગણેશજીની તસવીર લગાવી છે.’
કેજરીવાલે કહ્યું હતું કે, ‘અમે ઈચ્છીએ છીએ કે દરેક પરિવાર અમીર બને, એ માટે ઘણા બધા પગલાં લેવા પડશે. સારી સ્કૂલો, હોસ્પિટલો અને પાયાની મૂળભૂત સુવિધાઓ જનતાને ઉપલબ્ધ કરાવવી પડશે. ત્યારે જ શક્ય બને કે જ્યારે દેવી-દેવતાઓની કૃપા હોય. દિવાળીના દિવસે લક્ષ્મીજી-ગણેશજીની પૂજા કરતી વખતે મને આ વિચાર આવ્યો. હું એમ નથી કહેતો કે તેનાથી અર્થવ્યવસ્થા સારી થશે, પરંતુ ભગવાનના આશીર્વાદ મળશે. અમે કોઈને હટાવવાની વાત નથી કરી રહ્યાં. જો ઇન્ડોનેશિયા કરી શકે તો આપણે કેમ નહીં? લક્ષ્મીજી ઐશ્વર્ય અને સમૃદ્ધિની દેવી છે.’