ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને હવે દરેક રાજકીય પક્ષો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ચૂંટણી પંચ ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 1 નવેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. તારીખો જાહેર થતાં જ ગુજરાતમાં આચાર સંહિતા લાગુ થઈ જશે. આ પહેલા ગુજરાત અને કેન્દ્ર સરકાર નવા પ્રોજેક્ટની જાહેરાત અને લોકાર્પણ કરી શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે ગુજરાત આવી રહ્યા છે. આ દિવસે પીએમ સરદાર પટેલની જન્મજયંતિ પર રાષ્ટ્રીય એકતા દિવસ પર સ્ટેચ્યુ ઓફ યુનિટી પર યોજાનારી તમામ રાજ્યોની પરેડમાં ભાગ લેશે. સાથે જ પીએમ મોદી જાંબુઘોડામાં આદિવાસીઓને પણ સંબોધિત કરશે. આ ઉપરાંત બનાસકાંઠામાં પાણી વિભાગના કાર્યક્રમમાં તેઓ હાજર રહેશે. આવી સ્થિતિમાં કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં રાજકીય નિષ્ણાતોને ટાંકીને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પીએમ મોદીના આ કાર્યક્રમ બાદ એટલે કે 1 નવેમ્બરે ગુજરાતમાં ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે.
2 તબક્કામાં યોજાઈ શકે છે ચૂંટણી
ચૂંટણી પંચ 1 નવેમ્બરે ગુજરાત ચૂંટણીની જાહેરાત કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ ચૂંટણી બે તબક્કામાં યોજાઈ શકે છે. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં મતદાન થઈ શકે છે. અત્યાર સુધી બહાર આવેલી માહિતી અનુસાર પ્રથમ તબક્કાનું મતદાન 1થી 2 ડિસેમ્બર અને બીજા તબક્કાનું મતદાન 4થી 5 ડિસેમ્બરે થઈ શકે છે. તો હિમાચલ પ્રદેશની સાથે ગુજરાતની ચૂંટણીના પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર થઈ શકે છે.