મોરબી પુલ દુર્ઘટનાને લીધે ગુજરાતમાં નરેન્દ્ર મોદીના અમુક કાર્યક્રમ સહિત રાજકીય અને ધર્મિક અલગ-અલગ કાર્યક્રમો રદ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાનાર પેજ સમિતિ સ્નેહમિલન કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. 1 નવેમ્બર 2022 ના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના પેજ સમિતિ સભ્યોનો “પેજસમિતિ સ્નેહમિલન કાર્યક્રમ” નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ હાલ મોકૂફ રાખવામાં આવેલ છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ દ્વારા જણાવાયું છે. આ સિવાય અમદાવાદમાં મોદીનો રોડ સો સહીત અનેક કાર્યક્રર્મો રદ કરાયા છે.
વધુમાં કોંગ્રેસ પક્ષ દ્વારા આજે તા. ૩૧.૧૦.૨૨ ના રોજની ગુજરાતનાં પાંચ ઝોનમાં શરૂ થનાર ‘પરિવર્તન સંકલ્પ યાત્રાને એક દિવસ મોકૂફ રાખવામાં આવી છે. રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોતજી, પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહજી, વરિષ્ઠ નેતા બી કે હરિપ્રસાદજી, રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાજી, રાજસ્થાનનાં પૂર્વ આરોગ્ય મંત્રી અને ગુજરાત સંગઠન પ્રભારી ડો.રઘુ શર્માજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રમુખ જગદીશ ઠાકોર, પૂર્વ પ્રમુખ અર્જૂન મોઢવાડીયા, ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલ, રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ,પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી, કાર્યકારી અધ્યક્ષ લલિત કગથરા, ઋત્વિક મકવાણા મોરબી જઈ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓનો મુલાકાત લઈ ખબર અંતર પૂછશે અને જેમને આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા છે તેમાં પરિવારજનોને મળીને સાંત્વના પાઠવશે.
જલારામ જયંતી ઉજવણી મોકૂફ
જલારામ જયંતીને પગલે જામનગર ,રાજકોટમાં લોહાણા સમાજનાં સમૂહ ભોજનના આયોજન હાથ ધરાયા હતા. ત્યારે મોરબીની હોનારતને લીધે જામનગર ,રાજકોટમાં લોહાણા સમાજનાં સમૂહ ભોજનનો કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યા છે. જામનગરમાં સવારે યોજાનાર મેરેથોન પણ રદ કરી દેવામાં આવી છે. એ જ રીતે પોરબંદર લોહાણા સમાજ દ્વારા પણ મહત્વનો નિર્ણય લેવાયો છે. જેમાં જલારામ જયંતિની ઉજવણીના કાર્યક્રમો રદ કરાયા છે. શોભાયાત્રા સહિતના આયોજનો રદ કરી સાદગીપૂર્ણ રીતે જન્મજયંતીની ઉજવણી કરવા નિર્ણય લેવાયો છે.