બાંદ્રા ટર્મિનસથી ભાવનગર માટે સોમવારે રાત્રે ઉપડેલી સાપ્તાહિક સ્પે. ટ્રેન વડોદરામાં કલાકો સુધી અટવાઈ પડી હતી, આ કારણે ટ્રેન લગભગ ૮ કલાક મોડી ચાલી રહી હોવાનું આજે ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા જણાવાયું હતું. જાેકે, રેલવે તંત્રએ બાંદ્રા ભાવનગર ટ્રેન કેમ મોડી ચાલી રહી હોવાની વિગતો જાહેર કરવાના બદલે સાંજે ભાવ. આસનસોલના રૂપમાં ચાલનારી ટ્રેન રી – શિડ્યુલ કરવાની જાહેરાત કરી હતી.
ભાવનગર રેલવેના પીઆરઆઈના જણાવ્યાનુસાર ભાવનગરથી આસનસોલ માટે દર મંગળવારે ચાલતી સુપર ફાસ્ટ ટ્રેન નં. ૧૨૯૪૧ આજે સાંજે તેના નિયત સમય ૫.૧૫ના બદલે રાત્રે ૯.૩૦કલાકે ચાલશે. અર્થાત્ પોણા ચાર કલાક મોડી કરવામાં આવી છે જેનું કારણ બાંદ્રાથી આવી રહેલી ટ્રેન મોડી હોવાનું જણાવાયું હતું. જાેકે, બાંદ્રા ભાવનગર સાપ્તાહિક ટ્રેન મોડી પડવાનું કારણ જણાવાયું ન હતું, આખરે આ અંગે રેલવે તંત્રનો સંપર્ક કરતા વડોદરા પાસે અન્ય ટ્રેન ફેઇલ થતાં ભાવનગર આવતી ટ્રેન અટવાઈ પડી હોવાનું જણાવાયું હતું.