ભાવનગર નેશનલ હાઇવે પર કોબડી ટોલ નાકે વાહનોનો ટોલ ટેકસ લેવામાં આવે છે, ભાવનગર પાસિંગના વાહનો પાસેથી આ ટેકસ બંધ કરવા બે વર્ષથી સતત રજુઆત કરવામાં આવતી હોવા છતા કોઇ ઉકેલ આવતો નથી. જો આ બાબતે કોઇ ઉકેલ નહી આવે તો આગામી તા.3 નવેમ્બરથી અનેક ગામોના લોકો રોડ પર ઉમટી પડશે અને આંદોલનના મંડાણ કરવામાં આવશે તેવી કલેકટરને એક આવેદન પત્ર પાઠવી ચિમકી આપવામા આવી છે.
દેશના અનેક રાજયોમાં ટોલ ટેકસ ફ્રી છે હાલમાં પંજાબ સરકારે પણ ટોલ ફ્રીની જાહેરાત કરી છે તો ગુજરાત સરકાર શા માટે ટોલ ફ્રી કરતી નથી આથી લોકોમાં રોષ ફેલાયો છે, વાહન માલિકો મસમોટો રોડ ટેકસ ભરે છે છતાં ટોલટેકસનું ગતકડુ શા માટે ? આગેવાનોએ કોબડી ટોલ ટેકસ લડત સમિતિ બનાવી કલેકટર કચેરીએ ગત તા.21-10-22ના સમિતિના નેજા હેઠળ રજુઆત કરી છે પણ કોઇ નિરાકરણ આવ્યુ નથી.
ભાવનગર જિલ્લાના તમામ વાહનોના ટોલ ટેકસ કાયમી ધોરણે બંધ નહીં થાય અને વિવિધ માગણીઓનો કોઇ ઉકેલ નહીં આવે તો તા.3-11-22ના ભડી,ભંડારિયા,મામસા, સારવદર, નાગધણીબા, ત્રાંબક, સરતાનપર, કરેડા, ઉખરલા, સાણોદર વગેરે પંદરથી વધુ ગામોના લોકો સ્વયંભુ બંધ રાખી નાગધણીબા પાટીયા પાસે રોડ પર આવી આંદોલન કરશે તેમ કોબડી ટોલ ટેકસ લડત સમિતીના પ્રમુખ ભરતસિંહ પોપટભા વાળા (તરેડી)એ જિલ્લા કલેકટરને રજુઆત કરી ચિમકી આપી જણાવ્યું છે.