ચૂંટણી નજીક આવતા ટેમ્પો જામ્યો છે, ભાવનગર શહેર કોંગ્રેસ સક્રિય થયું છે કોંગ્રેસ આયોજિત સંકલ્પ યાત્રાના અનુસંધાને શહેરના કુંભારવાડા વિસ્તારમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં AICCના મહામંત્રી મુકુલ વાસનીકે ભાજપ સરકારને આડે હાથ લઈ 27 વર્ષના ગુજરાતના શાસન પર સવાલો ઉઠાવ્યા હતા.


ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા જ રાજનીતિક પાર્ટીઓ પોતાના પ્રચાર પ્રસારમાં લાગી ગઈ છે કોંગ્રેસ દ્વારા આયોજિત પરિવર્તન સંકલ્પ યાત્રા અનુસંધાને ભાવનગર શહેરના કુંભારવાડા એટલે કે ભાજપના સીટિંગ ધારાસભ્ય જીતુ વાઘાણીના પશ્ચિમ વિસ્તારમાં કોંગ્રેસની જાહેર સભા યોજાઇ હતી જેમાં ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ જેનીબેન ઠુંમર તેમજ AICCના મહામંત્રી સહિત કોંગ્રેસના ધારાસભ્ય ઋત્વિક મકવાણા હાજર રહ્યા હતા અને ભાજપ સરકાર પર સવાલો ઉઠાવતા અનેક આક્ષેપોબાજી કરી હતી, આ સાથે જ મોરબીમાં બનેલી દુર્ઘટનાને સંદર્ભે કોંગ્રેસ દ્વારા જાહેર સભામાં બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ગુજરાતમાં 27 વર્ષથી શાસન કરતી ભાજપ સરકાર પર કોંગ્રેસે નિશાનો તાકી 27 વર્ષ દરમિયાન કરેલા કામકાજનો હિસાબ સહિત આપેલા વાયદાઓ અને વચન પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. સભામાં કોંગ્રેસ સંગઠનના હોદ્દેદારો, મ્યુ.પદાધિકારીઓ, આગેવાનો, કાર્યકરો અને મહિલા કોંગ્રેસની બહોળી હાજરી રહી હતી.