ગુજરાત ચૂંટણીની તારીખોનુ એલાન થઈ ચૂક્યું છે. આગામી 1 અને 5 ડિસેમ્બરે ગુજરાતમાં 2 તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાશે. તેવામાં હવે ભાજપ નેતા યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું કે, ભાજપ તમામ બેઠકો પર વિજય મેળવશે. આ સાથે તેમણે ઉમેર્યું હતું કે, આજથી ભાજપ ઉમેદવાર પસંદગીની બેઠક શરૂ થઈ છે. તો આગામી 14 નવેમ્બર પહેલા ભાજપના ઉમેદવાર જાહેર થઈ જશે તેવું ઉમેર્યું હતું.
ચૂંટણીને પગલે આજથી 3 દિવસ સુધી ભાજપની મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના પ્રભારી અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં મળનારી આ બેઠકમાં 33 જિલ્લા દીઠ ભાજપના ઉમેદવાર અંગે ચર્ચા થશે. આ સાથે જિલ્લા અને શહેરી વિસ્તારના નામના મંથન માટે બેઠકનું આયોજન કરાયું છે. મહત્વનું છે કે, 3થી 5 નવેમ્બર સુધી ગુજરાતમાં પ્રભારીની બેઠકોનો દોર જોવા મળશે. જેમાં સંગઠનના હોદ્દેદારો સાથે પણ પ્રભારી બેઠક કરશે. આ સાથે સંકલન સમિતિમાં સેન્સ પ્રક્રિયામાં આવેલા નામની ચર્ચા થશે. તો દાવેદારોની યાદી ચર્ચા બાદ પ્રદેશ પાર્લામેન્ટ્રીને મોકલાશે.
અમિત શાહ પણ છે ગુજરાતમાં
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી ગયા છે. ગૃહમંત્રી અમિત શાહ ગઇકાલથી 4 દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. ગુજરાતના સહ પ્રભારી સુધીર ગુપ્તા 2 દિવસ ગુજરાતની મુલાકાતે છે. જેઓ ભાજપ સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક કરશે. તેઓ સંકલન બેઠકમાં પણ ભાગ લેશે. સહ પ્રભારી સુધીર ગુપ્તા કાર્યકર્તાઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપશે. તેઓ પ્રદેશ હોદ્દેદારો સાથે પણ આજે બેઠક કરશે. આ બેઠકમાં ભાજપની નબળી બેઠકો અંગે મંથન થશે. આગામી દિવસોમાં ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ ગુજરાત આવશે. તેઓ પણ ગુજરાતના અલગ-અલગજિલ્લાઓમાં બેઠક કરશે.