આખરે ગુજરાત રાજ્યની ચુંટણીની તારીખો માટે પ્રવર્તી રહેલી આતુરતાનો અંત આવ્યો છે અને ચૂંટણી પંચે ગુજરાતમાં તા.૧ ડિસેમ્બર અને તા.૫ ડિસેમ્બરે ચુંટણી માટે મતદાનની તારીખ જાહેર કરી છે. ચૂંટણી જાહેર થતાની સાથેજ આ દિવસોમાં લગ્નની તારીખ વાળા પરિવારોમાં ચિંતાનુ મોજુ ફરી વળ્યું છે. અને ચૂંટણીના કારણે વાડી, વાહન અને વિડીયોગ્રાફરના બુકિંગ રદ થવાના ડર સાથે વધુ રોકડ સાથે રાખવાનો ડર પણ સતાવવા લાગ્યો છે.
નવેમ્બરના અંતિમ સપ્તાહ અને ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં શિયાળુ લગ્નોત્સવની ધૂમ છે તેમજ નવેમ્બરના અંતિમ સપ્તાહમાં ૫ દિવસ તેમજ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં બે મળીને કુલ ૭ દિવસ લગ્ન માટે શ્રેષ્ઠ મુહૂર્ત છે ત્યારે આગળ પાછળના દિવસોમાં પણ વિવિધ કાર્યક્રમો હોય આ દિવસોમાં ચૂંટણી જાહેર થતા હવે આ ઇલકેશન મેરેજના ફંકશનના રંગમાં ભંગ પાડનારૂ બની રહેશે. તો લગ્નમાં બહારગામ આવવા જવા માટે ખાનગી મોટર જેવા વાહનો ભાડે કરવામાં પણ સમસ્યા સર્જાઇ શકે તેમ છે. કારણ કે ખાનગી મોટર સહીતના વાહનો ચૂંટણી કાર્ય માટે રેક્વિઝેટર કરવામાં આવતા હોય છે.
આવનારા સમયમા ધૂમ લગ્નગાળો છે જેના કારણે વર વધુના વાલીઓએ વાડી, હોલ, વિડીયોગ્રાફર, સાઉન્ડ સિસ્ટમ વિગેરેનુ અગાઉથી બુકીંગ કરી રાખ્યુ છે. પરંતુ તંત્ર ચૂંટણીમા વાડી હોલ વિગેરેનો ઉપયોગ કરવા માંગતુ હોય બુકીંગ કેન્સલ થવાની આશંકાએ લોકો ચિંતિત બન્યા છે. ૬ નવેમ્બરથી લગ્નગાળાની સિઝન શરૂ થશે અને આ વર્ષે શિયાળામાં મોટી સંખ્યામા લગ્નો છે. જેથી વર અને કન્યા પક્ષ દ્વારા વિવિધ વાડી, હોલ, પાર્ટી પ્લોટ વિગેરેનુ અગાઉથી જ બુકીંગ કરાવી લેવાયુ છે. વિડીયોગ્રાફરો, સાઉન્ડ સીસ્ટમ, કેટરર્સ વિગેરેના બુકીંગ પણ ફુલ છે. તેવા સમયે હવે વિવિધ સ્થળે આવનારી ચૂંટણીને અનુલક્ષીને વાડી હોલ જેવા સ્થળો રીકવીઝીટ કરવા આદેશ અપાયા છે. સરકાર હવે જયારે જરૂર પડશે ત્યારે આ વાડી હોલનો કબજાે લેશે.
જેમણે પોતાના સંતાનોના લગ્નો ગોઠવ્યા છે તેઓ આના કારણે ભારે ચિંતિત બન્યાં છે. ચુંટણી દરમિયાન જે રીતે તંત્રને વાડી હોલની જરૂરીયાત ઉભી થાય છે તેવી રીતે મોટા પ્રમાણમા વિડીયોગ્રાફરની જરૂરીયાત પણ ઉભી થાય છે. ત્યારે હવે તા.૧ તથા ૫ ડિસેમ્બરે ચુંટણી જાહેર થઇ જતા જેમના ઘરે આ દિજસોમાં લગ્ન પ્રસંગ છે તેઓની ચિંતા વધી ગઇ છે. વાડી હોય કે વિડિયોગ્રાફક આ દિવસમાં મળશે કે કેમ તેની ચિંતા કોરી ખાતી થઇ ગઇ છે. આ ઉપરાંત લગ્ન પ્રસંગ દરમિયાન અનેક વસ્તુઓ લાવવા-મુકવાની હોવા ઉપરાંત અનેક વહેવાર કરવાના હોય રોકડ રકમ પણ સાથે રાખવી પડતી હોય છે. ત્યારે ચૂંટણી આવતા હવે રોકડ રકમ સાથે રાખવાનો પણ લગ્ન વાળા પરિવારોને ડર સતાવી રહ્યો છે. જાેકે લગ્ન વાળા પરિવારોને તંત્ર દ્વારા ખોટી રીતે પરેશાન કરવામાં નહી આવે તેમ જણાવાયું છે.






