સૌરાષ્ટ્રના પાટીદારો આ વખતે ચૂંટણીમાં ભાજપની પડખે રહે એ માટે કેન્દ્રીય નેતાગીરી પ્રયાસોમાં છે. આ સંજોગોમાં ભાવનગરમાં કાલે પાટીદાર હીરા ઉદ્યોગપતિ આયોજીત સમૂહ લગ્ન સમારોહમાં વડાપ્રધાન ઉપસ્થિત રહેશે. આયોજકોના દાવા અને કરાયેલી જાહેરાત મુજબ વડાપ્રધાન મોદી, અમિતશાહ, સીએમ સહિતના ભાજપના ટોચના નેતાઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ બિન રાજકીય છે પરંતુ રાજકીય પંડિતો માની રહ્યા છે કે, નરેન્દ્રભાઈએ સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ સ્વીકારી એક તીર બે નિશાન લગાવ્યા છે.!
ભાવનગરમાં 552 દીકરીઓના સમૂહ લગ્નોત્સવના આયોજનમાં વડાપ્રધાન મોદી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવીયા, મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, શીક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, સાંસદ ભારતીબેન શિયાળ, મેયર કીર્તિબેન તથા મંત્રી મંડળના કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓ, બગદાણાના મનજીબાપા તથા સંતો, મહંતો અને હીરા ઉદ્યોગના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આમ, ભાજપની ટોચની નેતાગીરી ઉપસ્થિત રહે તેવી સંભાવનાઓ વચ્ચે રાજકીય રીતે ફાયદો શાસક પક્ષને થશે તેમ ગણતરીઓ થઈ રહી છે, જોકે, આ પ્રસંગે કોઈ રાજકીય ભાષણ નહિ થઈ શકે એટલે કાર્યકમ સામાજીક રહેશે તેમ છતાં વડાપ્રધાન મોદી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે તે રાજકીય રીતે ઘણું જ સૂચક મનાય છે.!
રવિવારે બપોરથી જવાહર મેદાન ખાતે આયોજીત આ સમૂહ લગ્નોત્સવમાં અંદાજે ચાર લાખ લોકો ઉપસ્થિત રહેનાર હોવાનું વધુમાં આયોજકોએ જણાવ્યું છે.