ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડધમ વાગી ગયા છે, રાજ્યમાં હાલ ચૂંટણીની મોસમ જોવા મળી રહી છે તમામ રાજકિય પક્ષો તૈયારીમાં લાગી ગયા છે. એવામાં નાના -મોટા તમામ નેતાઓ,ધાર્મિક સંતો સહિત લોકો નિવેદન આપી રહ્યા છે,એવામાં વડતાલ સ્વામિનારાયણ મંદિરના નૌતમ સ્વામીએ આ વખતે હિન્દુઓને આંખ બંધ કરીને ભાજપ માટે વોટ આપવાની અપીલ કરી છે. આ અપીલનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.
આ વાયરલ વીડિયોમાં નૌતમ સ્વામી કહ્યું કે,ભાજપના રાજના કારણે હિન્દુઓ આજે ગર્વથી મસ્તક ઊંચું રાખીને ફરી શકે છે. કાશી વિશ્વનાથનું મંદિર 500 ફૂટમાં હતું. 5 લાખ સ્ક્વેર ફૂટનું કરવાનું કામ વિક્રમાદિત્ય અને રાજા રણજિતસિંહ પછી કોઇએ કર્યું હોય તો તે માનનીય નરેન્દ્રભાઇએ કર્યુ છે. કેદારનાથનું ક્ષતિગ્રસ્ત થયેલું મંદિર એનો અબજો રુપિયાનો પ્લાન કોઇ હેરીડીટરીમાં જન્મેલો રાજા ન કરી શકે તેવું કામ નરેન્દ્ર મોદીએ કર્યું છે. સોમનાથનો વિકાસ હોય, અંબાજીનો વિકાસ હોય, ગીરનારનો વિકાસ હોય પાલિતાણાનો વિકાસ હોય, ડાકોરજીનો વિકાસ હોય કે શ્રી દ્વારિકાજીનો વિકાસ હોય શ્રી રામજન્મભૂમિ પરનું ભગવાન શ્રી રામનું મંદિર હોય, આ બધા પવિત્ર કામો નરેન્દ્રભાઇના હાથે થઇ રહ્યા છે. આવનારી શતાબ્દી એ હિન્દુઓની શતાબ્દી છે એટલે યાદ રાખીને જેટલા હિન્દુ હોય એમને મારી અપીલ છે કે ભારતીય જનતા પાર્ટીને આંખ મીચીને મત આપવો નાના મોટા સ્વાર્થ ભૂલીને અને રસ્તો બન્યો કે ન બન્યો એમાં પડ્યા વગર ભાજપને જ મત આપવા અપીલ કરૂ છું.