ડમી પેઢીઓના નામે જીએસટી નંબર મેળવી બાદમાં ટેક્સ ક્રેડિટ મેળવવાના કૌભાંડના મુખ્ય સુત્રધારો પૈકી સુરતના સુફીયાન કાપડીયાની બે વર્ષ અગાઉ આવા જ કૌભાંડમાં સેન્ટ્રલ જીએસટી વિભાગે ધરપકડ કરી હતી.સુફીયાન કાપડીયાએ 12 બોગસ પેઢીઓમાંથી બીલીંગ કરી તેમજ અન્ય 6 પેઢી બોગસ ઉભી કરી રૂ.33.30 કરોડની ઈનપુટ ટેક્ષ ક્રેડીટ મેળવી સરકાર સાથે છેતરપીંડી કરી હતી.
આર્થિક ગુના નિવારણ શાખાના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ બનાવટી લાઈટબિલના આધારે ડમી પેઢીઓના નામે જીએસટી નંબર મેળવી બાદમાં ટેક્સ ક્રેડિટ મેળવનાર આઠ પેઢીઓ-સંચાલકો વિરુદ્ધ પખવાડીયા અગાઉ સુરત આર્થિક ગુના નિવારણ શાખાએ ગુનો નોંધી સુરત પોલીસની 12 ટીમે અમદાવાદ, સુરત, રાજકોટ, જૂનાગઢ, મોરબી અને ભાવનગરમાં હાથ ધરેલી તપાસમાં રૂ.200 કરોડના ટ્રાન્ઝેક્શન અને 21 બોગસ કંપનીની વિગતો મળી હતી.આર્થિક ગુના નિવારણ શાખાએ આ પ્રકરણમાં અત્યાર સુધી કુલ 12 આરોપીની ધરપકડ કરી તેમના ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે.આ કૌભાંડની તપાસને સુરત પોલીસે “ઓપરેશન જીએસટી” નામ આપ્યું છે.સુરત પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી 16 લેપટોપ, 25 મોબાઈલ, રોકડા રૂ.2,12,400, 3 સીપીયુ, 2 હાર્ડ ડિસ્ક, 3 ચેકબુક, 18 ચેકો, 9 ડેબિટ-ક્રેડિટ કાર્ડ, 24 એટીએમ કાર્ડ, 6 પાનકાર્ડ, 69 સિક્કા-રબર સ્ટેમ્પ કબજે કર્યા છે.
પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે સુરતનો નૂર આલમ મુખ્ય સૂત્રધાર છે અને તેણે સુરતના સુફીયાન કાપડીયા, અમદાવાદના સજ્જાદ અને ભાવનગરના ઉસ્માન સાથે મળી સમગ્ર કૌભાંડ કર્યું છે. હાલ ચારેય ફરાર છે.સુરતના સુફીયાન કાપડીયાની બે વર્ષ અગાઉ આવા જ કૌભાંડમાં સેન્ટ્રલ જીએસટી વિભાગે ધરપકડ કરી હતી.સુફીયાન કાપડીયાએ 12 બોગસ પેઢીઓમાંથી બીલીંગ કરી તેમજ અન્ય 6 પેઢી બોગસ ઉભી કરી રૂ.33.30 કરોડની ઈનપુટ ટેક્ષ ક્રેડીટ મેળવી સરકાર સાથે છેતરપીંડી કરી હતી.સુરત પોલીસને “ઓપરેશન જીએસટી” ની તપાસ દરમિયાન સુરત, અમદાવાદ, ભાવનગરની 163 પેઢીઓનું 1259 કરોડ ટર્નઓવર અને 116 કરોડની ઈનપુટ ટેક્ષ ક્રેડીટની ચોરી મળી છે.