આ વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવનારા ઉમેદવારો માટે ચૂંટણી પંચે ખર્ચની મર્યાદા ૧૨ લાખ વધારીને રૂ.૪૦ લાખ સુધીની મર્યાદામાં ખર્ચો કરી શકશે. ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયા પછી ઉમેદવારોએ ખર્ચની રંજેરજની વિગતો ચૂંટણી અધિકારી સમક્ષ રજુ કરવી પડશે. ઉમેદવારોના ખર્ચ ઉપર ચૂંટણી ખર્ચ નિરીક્ષકો બાજ નજર રાખશે.
વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રકિયા શરૃ થવાની સાથે જ ઉમેદવારો કેટલા સુધી ખર્ચો કરી શકશે. તેની મર્યાદા પણ નક્કી થઇ ગઇ છે. ગત ૨૦૧૭ માં એક ઉમેદવાર દીઠ ૨૮ લાખની ખર્ચની મર્યાદા નક્કી કરાઇ હતી. આ વખતે ૧૨ લાખનો વધારો કરીને કુલ ૪૦ લાખની મર્યાદામાં ખર્ચો થઇ શકશે. ઉમેદવારી ફોર્મ ફાઇનલ થયા પછી ઉમેદવારોએ જેટલો પણ ખર્ચો થશે. તેની વિગતો અધિકારી સમક્ષ રજુ કરવી પડશે. ચૂંટણી પંચે ઉમેદવારો દ્વારા થતા ખર્ચામાંથી વસ્તુઓના ભાવો ફાઇનલ કરાયા છે. આગામી દિવસોમાં ચૂંટણી ઉમેદવારી મંજુર થયા પછી ઉમેદવારોને કઇ વસ્તુમાં કેટલો ખર્ચો કરી શકશે. તેની વિગતો પણ આપવામાં આવશે.
વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો દ્વારા થતા ખર્ચાઓ પર નજર રાખવા માટે ખાસ પાંચ ખર્ચ નિરીક્ષકોની નિમણુંક કરાતા ચૂંટણી અધિકારીઓ સાથે બેઠક યોજીને માહિતી મેળવવાની સાથે જ જરૃરી સુચનો પણ કર્યા હતા.