ભાવનગર રેન્જ પોલીસ દ્વારા ભાવનગર સહિત ત્રણેય જિલ્લાઓમાં વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને શરૂ કરવામાં આવેલી ચેક પોસ્ટ ઉપર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરી ચેકપોસ્ટ ઉપર ફરજ બજાવતા પોલીસ અધિકારી અને કર્મચારીઓની સતર્કતા અંગે ખરાઈ કરવામાં આવી હતી. દરમિયાનમાં ખાનગી વાહનમાં ચેકીંગ દરમિયાન ડેસ્કબોર્ડની અંદર રાખેલ પિસ્ટલ મળી આવી હતી. જ્યારે અન્ય જગ્યાએથી એક કારની પાછળની શીટના કવરમાંથી પિસ્ટલ મળી આવતા પોલીસે કાર્યવાહી કરી હતી. જાે કે, ડિકોઇ-સરપ્રાઇઝ ચેકીંગ હોવાનું આખરે ખુલ્યું હતું.
વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાવનગર રેન્જમાં આવતા ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા ૩૦ જેટલી ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. આ ચેક પોસ્ટ ઉપર ચેકિંગની કાર્યવાહી યોગ્ય રીતે થાય છે કે કેમ ? તેની ચકાસણી કરવા માટે ભાવનગર રેન્જ પોલીસ મહાન નિરીક્ષકની સૂચના અન્વયે રેન્જ પોલીસ વિભાગના પોલીસ અધિકારી તથા સ્ટાફ દ્વારા ભાવનગર જિલ્લાના વેળાવદર ભાલ પોલીસ મથકની ચેકપોસ્ટ, બોટાદ જિલ્લાની ભીમનાથ ચેક પોસ્ટ, અમરેલી જિલ્લાની જામનગર ચેકપોસ્ટ સહિતની ચેકપોસ્ટ ઉપર ખાનગી વાહનમાં હથિયાર સાથે રાખી પસાર છતાં તમામ ચેકપોસ્ટ ઉપર હાજર પોલીસ સ્ટાફ દ્વારા વાહનમાંથી હથિયાર શોધી લેવામાં આવેલ અને સોંપેલી કામગીરી અંગે સતર્કતા દાખવી હતી. વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને પોલીસ તંત્ર દ્વારા પેટ્રોલિંગ અને ફ્લેગમાર્ચ પણ યોજવામાં આવી રહી છે.






