ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. સર્વોત્તમ ડેરી દર વર્ષની માફક આ વર્ષે પણ તા.૧૪ થી ૨૧ સુધી સહકારી સપ્તાહની ઉજવણી કરશે. આ ઉજવણી સર્વોત્તમ દાણ ફેક્ટરીના પરિસરમાં યોજવામાં આવશે. ખાસ કરીને મહિલા સશક્તિકરણ, મૂલ્યવર્ધન વેચાણ, સહકારી પ્રવૃત્તિમાં યુવા મહિલાઓનું યોગદાન વિગેરે વિષયો સાથે સર્વોત્તમ ડેરીના સ્થાપક ચેરમેન મહેન્દ્રભાઇ પનોતના અધ્યક્ષસ્થાને અને સંઘના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટરની વિશેષ ઉપસ્થિતિમાં આ સહકારી સપ્તાહની ઉજવણી થનાર છે.
સોમવારે સહકારી ધ્વજ સાથે સર્વોત્તમ ડેરીના સ્થાપક ચેરમેન અને ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ડાયરેક્ટર મહેન્દ્રભાઇ પનોતના શુભ હસ્તે શુભારંભ થશે. તા.૧૪ થી ૨૧ સુધી દરરોજ અલગ અલગ વક્તાઓ, તજજ્ઞો દ્વારા જિલ્લાભરમાંથી ઉપસ્થિત રહેનાર મહિલા સભાસદો તથા દૂધ મંડળીઓના પ્રતિનિધિઓની વિશાળ હાજરીમાં આ કાર્યક્રમ થશે. દરરોજ જિલ્લામાંથી દૂધના પ્રમાણમાં સર્વોત્તમ દાણ વેચનાર પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ દૂધ મંડળીઓના કાર્યવાહકોના સન્માન થશે.
આ સહકારી સપ્તાહ પૂર્ણાહુતિ તા.૨૧ના રોજ થનાર છે. આ પૂર્ણાહુતિ નિમિત્તે વર્ષભેર થેયલ રમતોત્સવના વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવનાર છે.
દરરોજ ૧૨૫૦ મહિલાઓને દાણ ફેક્ટરી દર્શન સાથે આધુનિક પશુપાલનની તાલીમ
આ સહકારી સપ્તાહમાં જિલ્લાભરમાંથી દરરોજ ૧૨૫૦ મહિલાઓ હાજરી આપી દાણ ફેક્ટરી દર્શન કરશે તથા તાલીમ મેળવશે. આમ સહકારી સપ્તાહ દરમિયાન ૮૦૦૦ થી ૯૦૦૦ મહિલાઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે અને આધુનિક યુગમાં પશુપાલન કેમ કરવું અને મૂલ્યવૃધ્ધિ પશુપાલન, ઓછા ખર્ચે વધારે વળતર કેમ મેળવવું, ઓછા પશુએ વધારે દૂધ ઉત્પાદન કેમ કરવું, પશુઓની ઉછેર પ્રક્રિયા, માવજત પ્રક્રિયા, સારવાર પ્રક્રિયા, નિભાવ પ્રક્રિયા વિગેરે વિષયોથી માહિતગાર થનાર છે.