ગઢડા(સ્વામીના) અનામત જાહેર 106 વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર શંભુનાથજી ટુંડિયાએ પટેલ સમાજની વાડી ખાતે મોટી સંખ્યામાં સાધુ સંતોની હાજરીમાં ભવ્ય જંગી જાહેર સભા યોજી હતી. તેમજ ઉમેદવારી પત્ર ભરવા સમયે મામલતદાર કચેરીમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, પૂર્વ ધારાસભ્ય આત્મારામ પરમાર, સુરેશભાઈ ગોધાણી, બાબુભાઈ જેબલીયા, ભોળાભાઈ રબારી, જિલ્લા પ્રમુખ અરવિંદ વનાળિયા તથા જૂનાગઢના ખ્યાતનામ સાધુ સંતો અને ગઢડા મંદિર એસ.પી સ્વામી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આ દરમિયાન સી.આર.પાટિલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પોતાનો રેકોર્ડ તોડવાની વાત કરી છે તે મુજબ ચોક્ક થી રેકોર્ડ તૂટશે તેવી આશા વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે ટીકીટ ફાળવણી મુદ્દે ઉભી થયેલી કાર્યકરોની નારાજગી દૂર થઈ હોવાનુ અને ભાજપના ઉમેદવારને જીતાડવા માટે કામે લાગી ગયા હોવાનો માહોલ જોવા મળ્યો હતો.
ગઢડા કોંગ્રેસના ઉમેદવાર જગદીશભાઈ ચાવડાએ ગઢડા ભાવસાર સમાજની વાડી ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની હાજરીમાં સભા યોજી હતી. ત્યારબાદ કોંગ્રેસના કાર્યકરોએ મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે ગઢડા મામલતદાર કચેરી પહોંચી હતા ઉમેદવારી પત્ર ભર્યું હતું. રાજયમા ૨૭ વર્ષથી ભાજપની સરકાર છે પરંતુ તેણે કોઈ કામો કર્યા નથી અને મોટા ભ્રષ્ટાચાર કર્યા છે જેથી વિસ્તારના મતદારો કંટાળી ગયા છે અને આ વખતે મતદારોએ મન બનાવી લીધું છે જેથી ચોકકસ વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આદમી પાર્ટીના ઉમેદવાર રમેશભાઈ પરમારે કાર્યકરોની મોટી સંખ્યામાં રેલી યોજી ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ દરમિયાન આમ આદમી પાર્ટી પ્રજા માટે મજબૂત વિકલ્પ બની રહી હોવાનું અને રાજ્યમાં ભાજપની સરકારમાં મોંઘવારી અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓથી પરેશાન જનતાને કેજરીવાલ ના દીલ્હી મોડેલ મુજબ સારૂ શાસન આપવાની અને અંડર કરંટ મતદારોનો મિજાજ આમ આદમી પાર્ટીની તરફેણમાં હોવાનું જણાવી જીત માટે આશા વ્યક્ત કરી હતી.