ભાજપ શાસિત તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સહિત 3 શખ્સ બિયર-દારૂની 251 બોટલ સાથે ઝડપાતા ચકચાર મચી ગઇ છે. દિવથી ઇનનોવા કારમાં દારૂનો જથ્થો લાવ્યા હતા. પોલીસે ઉનાની માંડવી ચેક પોસ્ટ પરથી ઝડપી લીધા હતા. પાલીતાણા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ચેતન ડાભી સહિત 3 સામે ગીર સોમનાથ પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. હાલ રૂ.82,460ની કિંમતનો દારૂ, 8 લાખની કિંમતની કાર, 23,000ની કિંમતના 4 ફોન સહિત રૂ.9,05,460નો મુદ્દામાલ કબ્જે કરાયો છે.
આશ્ચર્યની વાત એ છે કે આ દારૂના જથ્થા સાથે પકડાયેલ કારમાં નંબર પ્લેટ નથી. ઉપરાંત કારમાં આગળ અંગ્રેજીમાં “એમએલએ ગુજરાત” લખેલું પાટીયું છે. જેને લઈ ભારે ચર્ચા જાગી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ દિવથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા આ પ્રયાસ કરાયો હતો પણ ચૂંટણી કામગીરીના ચેકીંગમાં રહેલ પોલીસે માંડવી ચેક પોસ્ટ પર આ કારની ઝડતી લીધી હતી અને દારૂ પકડ્યો છે.
ઉના પોલીસ મથકે પીએસઆઈ એસ.ડી. બામરોટિયાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મહેબૂબ પીરભાઈ લાખેપોટા(ઉ.વ.34, રહે. ડુંગરપુર પાલીતાણા), હાર્દિક કિશોર પરમાર (ઉ.વ.21, રહે.અનિડા તા.તાલાલા) અને ચેતન ભીમજી ડાભી(કોળી) (ઉ.વ.35)નું નામ દર્શાવ્યું છે. ચેતન પાલીતાણાના ડુંગરપુરનો રહેવાસી છે. હાલ તે ભાજપ શાસિત પાલીતાણા તાલુકા પંચાયતનો ઉપપ્રમુખ છે.