ભાવનગરના આંગણે આગામી ૩ ડિસેમ્બરથી કથાકાર પૂ.મોરારીબાપુની રામકથાનું ભાવનગરના નાનાલાલ ભવાનભાઇ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરાયું છે. શહેરના જવાહર મેદાન ખાતે મારૂતિધામમાં તા.૩ થી ૧૧ ડિસેમ્બર દરમિયાન યોજાનાર રામકથાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જયંતભાઇ વનાણી (બુધાભાઇ પટેલ) પરિવાર દ્વારા રામકથાના ઇ-નિમંત્રણ કાર્ડ વિતરણનો પ્રારંભ પણ કરવામાં આવ્યો છે.
શહેરના જવાહર મેદાન ખાતે નાનાલાલ ભવાનભાઇ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વધુ એક વખત પૂ.મોરારીબાપુના શ્રીમુખેથી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૩ થી ૧૧ ડિસેમ્બર સુધી ચાલનારી રામકથાનો પ્રારંભ ૩ ડિસેમ્બર પોષ સુદ ૧૧ને શનિવારના રોજ બપોરે ૩ કલાકે પ.પૂ.પદ્મભુષણ સ્વામી સચ્ચિદાનંદ પરમહંસના હસ્તે દિપપ્રાગટ્ય સાથે પ્રારંભ થશે. કથા પ્રારંભ પૂર્વે તેઓ આર્શિવચન પણ પાઠવશે. તા.૧૧ ડિસેમ્બરના રોજ કથાનો વિરામ થશે. દરરોજ સવારે ૧૦ થી ૧.૩૦ અને સાંજે ૪ થી ૭ એમ બે સેશનમાં મોરારીબાપુ દ્વારા કથા શ્રવણ કરાશે. મારૂતિ ધામ જવાહર મેદાન ખાતે યોજાનાર કથાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ કથામાં હજારો ભાવીકો કથા શ્રવણનો લાભ લઇ શકે તે માટેના ડોમ સહિતની તૈયારીઓ કરવામાં આવી રહી હોવાનું કથાના આયોજક બુધાભાઇ પટેલ દ્વારા જણાવાયું હતું.