ભાવનગરમાં અનેક બાંધકામો ગેરકાયદે છે. જેને નિયત કરાવવા ગુજરાત સરકારે જાહેર કરેલો ઈમ્પેક્ટનો કાયદો ઘણો જ ઉપયોગી બનશે પરંતુ એક મહિનો થયો અરજદારો કોર્પોરેશનના ચક્કર કાપી રહ્યા છે આજદિન સુધી કોઈ ફાઈલ સ્વીકારવામાં આવી નથી, આખરે કોર્પોરેશન દ્વારા આજે સ્પષ્ટતા કરાઈ છે કે અનધિકૃત બાંધકામોને નિયમિત કરવા માટે માત્ર ઓનલાઇન જ અરજી સ્વીકારાશે!
અનધિકૃત બાંધકામોને નિયમિત કરવા માટે સરકાર દ્વારા વર્ષ 2001 અને 2011માં ગુજરાત અનધિકૃત વિકાસ નિયમિત કરવાનો વટહુકમ પણ બહાર પાડ્યો હતો. તેમ છતાં મોટા પ્રમાણમાં બાંધકામો ગેરકાયદેસર છે અને બીયુ પરવાનગી પણ મેળવી નથી. આવા ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવે તો મોટી જન સંખ્યાને આર્થિક અસર થાય અને સામાજિક અરાજકતા પણ ફેલાઈ શકે. જેથી કમ્પાઉન્ડીંગ ફી વસૂલીને નિયમિત કરવું અનિવાર્ય બન્યુ છે. જેથી સરકારે ગત 17 મી ઓક્ટોબરથી વધુ એક વખત ઇમ્પેક્ટનો કાયદો અમલમાં મૂક્યો છે.
જે સંદર્ભના માર્ગદર્શન માટે આજે બિલ્ડરો અને એન્જિનિયરોની કોર્પોરેશન ખાતે એક બેઠક પણ યોજાઈ હતી. ઈમ્પેક્ટ સંદર્ભે ગેરકાયદેસર બાંધકામો કાયદેસર કરવા માટેની અરજી, ફી ભરવાની, મંજૂરી નામંજૂરીના હુકમની પ્રક્રિયા સહિતનું https://enagar.gujarat.gov.in પર કરવાની રહેશે.
રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં. તેમજ કોઈને ઇમ્પેક્ટ સંદર્ભે રજૂઆત કરવી હોય તેઓ ટાઉન ડેવલપમેન્ટ અને ટાઉન પ્લાનિંગ વિભાગમાં સૂચનો પણ કરી શકશે. ઈમ્પેક્ટ યોજના તળે માર્જિન, બીલ્ટઅપ, મકાનની ઊંચાઈ, ઉપયોગમાં ફેરફાર, કવર્ડ પ્રોજેક્શન, પાર્કિંગ 50% માટે ફી લઈ નિયમબદ્ધ થઈ શકશે, સેનિટરીની સુવિધા, કોમન પ્લોટ 50% કવરેજની મર્યાદાને આધીન અને મળવાપાત્ર ઉપયોગને નિયત ફી ભરપાઈ કરી કાયદેસર કરી શકાશે.