તળાજા બેઠક પર યોજાનાર ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ દ્વારા ગત ચૂંટણીના ઉમેદવારોને જ યથાવત રાખ્યા છે. જાે કે, ગત ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર કનુભાઇ બારૈયાનો ૧૭૭૯ મતોની સરસાઇથી વિજય થયો હતો. ગત ટર્મમાં ૧૨ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયેલ તે છતાં સૌથી વધુ મત મેળવવામાં નોટા ૨,૯૧૮ મતે ત્રીજા સ્થાને રહ્યું હતું. આ વખતે ૧ ડિસેમ્બરના રોજ યોજાનાર ચૂંટણીમાં ૧૦ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. જાે કે, આ વખતે આમ આદમી પાર્ટી આવતા તળાજામાં ત્રિપાંખીયો જંગ થવાના એંધાણો દેખાઇ રહ્યા છે.
ગત ચૂંટણીમાં તળાજા બેઠકમાં નોંધાયેલા કુલ ૨,૨૨,૧૩૧ મતદારો પૈકી ૧,૪૧,૮૯૫ મતદારોએ ૨૬૧ બુથ પર મતદાન કર્યું હતું જેમાં કોંગ્રેસના ઉમેદવાર કનુભાઇ બારૈયાને ૬૬,૮૮૨, ભાજપના ઉમેદવાર ગૌતમ ચૌહાણને ૬૫,૦૮૩ મતો મળ્યા હતાં. બાકીના ૧૦ ઉમેદવારોને ૧૭૫ થી ૧૩૦૦ સુધી મતો મળ્યા હતાં. જ્યારે ૨,૯૧૮ લોકોએ નોટાનો ઉપયોગ કર્યો હતો. આમ ગત ચૂંટણીમાં કોંગ્રેસે પાતળી સરસાઇથી મેળવેલી તળાજા બેઠક જાળવી રાખશે કે તેમ તે ચર્ચાનો વિષય બન્યો છે.