વિધાનસભા ચૂંટણી જંગમાં હવે પ્રચાર પ્રસાર માટે જાહેર સભા અને રોડ શો કરવા કેન્દ્રીય અને પ્રદેશની નેતાગીરી ઉતરી છે, આજથી ભાવનગર જિલ્લામાં ભાજપે સ્ટાર પ્રચારકોને મેદાને ઉતર્યા છે. જિલ્લામાં આજે જુદાં જુદાં સ્ટાર પ્રચારકો સભા, શો કર્યા બાદ સાંજે ઘોઘા સર્કલ ખાતે કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને કાળીયાબીડ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ જંગી જાહેરસભા કરશે. ભાવનગર જિલ્લામાં મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની મહુવા, તળાજા અને જેસરમાં જાહેર સભા યોજાઈ છે સાથે જામનગરના સાંસદ પૂનમબેન માડમ પણ છે. કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સિહોરમાં જાહેરસભા યોજાઇ છે, સાંસદ પૂનમબેન માડમની જાહેરસભા પાલિતાણાના ભંડારિયા ખાતે યોજાઇ છે. ભાજપના દરેક સ્ટાર પ્રચારકો હેલિકોપ્ટર મારફત પ્રચાર માટે આવશે આથી જિલ્લાના દરેક સ્થળે તેને આનુષંગિક હેલિપેડ સહિતની વ્યવસ્થા કરવા સૂચના અપાઇ છે.
કોંગ્રેસના ઉમેદવારના પ્રચારમાં આગામી દિવસોમાં કેન્દ્રમાંથી દિગ્વિજયસિંહ, અમરિન્દ્રસિંઘ, શક્તિસિંહ ગોહિલ, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર વિગેરે પણ ભાવનગરમાં રોડ શો અને સભા કરશે. આમ, આજથી ચૂંટણી પ્રચારનો માહોલ જામ્યો છે અને ધીમે ધીમે ગરમાવો વધશે.