ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીત હાંસલ કરવા ભાજપે એક એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ભાજપે ગુજરાતની 182 બેઠકો પર પ્રભારીઓને મૂક્યાં છે. જેથી મતદાન બુથનો દરેક મેસેજ પેજ સમિતિના પ્રમુખ સુધી પહોંચશે. પેજ સમિતિના પ્રમુખ સુધીની કામગીરીનું સીધું જ મોનિટરીંગ કરાશે. તદુપરાંત વોર્ડથી માંડીને બુથ સુધીની કામગીરીનું સતત નિરીક્ષણ કરાશે. પ્રદેશ કક્ષાથી લઇને બુથ કક્ષાના કાર્યકરો વચ્ચે સેતુરૂપ ભૂમિકા બંધાશે. તેમજ ભવિષ્યમાં શક્તિ કેન્દ્રના માળખાને પણ વધારે મજબૂત બનાવાશે.
બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી જીત માટે જૂના રાજકીય ફોર્મ્યુલાથી લઈને નવા જાતિવાદી સમીકરણ સુધીનો રાજકીય દાવ રમી રહી છે. આ અંતર્ગત પાર્ટીએ પાટીદારો અને ઓબીસી નેતાઓને ટિકિટ વહેંચણીમાં ખૂબ જ પ્રાધાન્ય આપ્યું છે. ભાજપે અત્યાર સુધીમાં કુલ 160 ટિકિટોમાંથી 40 પાટીદારો, 49 ઓબીસી, 24 અનુસૂચિત જનજાતિ, 13 અનુસૂચિત જાતિ, 13 બ્રાહ્મણો, 3 જૈન અને 17 ટિકિટ ક્ષત્રિય સમાજના લોકોને આપી છે.
40 પાટીદારો અને 49 ઓબીસી ઉમેદવારોને આપી છે ટિકિટ
40 પાટીદાર ઉમેદવારોમાંથી 23 ટિકિટ માત્ર લેઉવા પાટીદાર સમાજના લોકોને અને 17 ટિકિટ કડવા પાટીદાર સમાજના લોકોને આપવામાં આવી છે. પાર્ટીએ 49 ઓબીસી ઉમેદવારોમાં સૌથી વધારે કોળી સમાજને 17 અને ઠાકોર સમાજને 14 ટિકિટ આપી છે. આ રીતે આ ચાર જાતિઓને કુલ 71 એટલે કે 44 ટકા ટિકિટ આપવામાં આવી છે. મિશન 2022 અંતર્ગત ભાજપ આ જાતિઓ પર ફોકસ કરી રહ્યું છે.
પાટીદારોને આકર્ષવાના પ્રયાસો
છેલ્લી જાતિ આધારિત વસ્તી ગણતરી મુજબ, રાજ્યમાં પાટીદારોની વસ્તી લગભગ 11 ટકા હોવાનું માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે લગભગ 40 વિધાનસભા બેઠકો પર પાટીદારો જીત કે હાર નક્કી કરે છે. 1980 સુધી પાટીદાર સમાજને કોંગ્રેસની પરંપરાગત વોટ બેંક માનવામાં આવતી હતી, પરંતુ હવે તે ઘણા ટુકડાઓમાં વિભાજિત થઈ ગઈ છે. તમામ રાજકીય પક્ષો પાટીદારોને આકર્ષવાના પ્રયાસો કરી રહ્યાં છે.