કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં મેધા પાટકર જોડાતા ગુજરાતના સીએમ ભુપેન્દ્ર પટેલ લાલઘૂમ થયા છે. ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રમાં મેધા પાટકરનો સમાવેશ જ કોંગ્રેસની ગુજરાત વિરોધી માનસિકતા દર્શાવે છે.
ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે , મેધા પાટકર નર્મદા વિરોધી હતા. આજે રાહુલ ગાંધીએ નર્મદા વિરોધીને તેમની ભારત જોડો યાત્રામાં સ્થાન આપ્યું છે. ગુજરાતના વિકાસના વિરોધીને ગુજરાત ક્યારેય સહન નહી કરે. તેમણે આકરા પ્રહારો જારી રાખતા જણાવ્યું હતું કે વાસ્તવમાં રાહુલ ગાંધીની યાત્રા તે વિકાસ વિરોધી અને અર્બન નક્સલી સાથેની ભારત તોડો યાત્રા છે. મેધા પાટકરને સાથે રાખીને કોંગ્રેસે ફરીથી તેની ગુજરાત વિરોધી માનસિકતા દર્શાવી છે. આ દર્શાવે છે કે ગુજરાતના વિરોધીને રાહુલ ગાંધીનું સમર્થન છે. ગુજરાતમાં નર્મદા યોજનામાં વિલંબ થયો તેમાં મેધા પાટકરનો સિંહફાળો હતો તેને ગુજરાત કેવી રીતે ભૂલશે.