વિધાનસભા ચૂંટણી સંદર્ભે રોકડ રકમની હેરફેર સહિતના સંદર્ભે તંત્ર એલર્ટ મોડમાં છે ત્યારે મહુવામાં રહેણાંકના બે સ્થળેથી રોકડા રૂપીયા ૯૯ લાખ કરતા વધુ ઝડપાતા ચકચાર મચી છે. આ પૈસા ક્યાંથી આવ્યા અને તેનું શું કરવાનું હતું ? તે સહિતની બાબતે તંત્ર દ્વારા તપાસના ધમધમાટ હાથ ધરાયો છે. તંત્રની કાર્યવાહીના પગલે મહુવા શહેર અને પંથકમાં ચકચાર મચી હતી અને મામલો ટોક ઓફ ટાઉન બન્યો છે.
મહુવા વિધાનસભા વિસ્તારમાં કાર્યરત ફ્લાઈગ સ્કૉવોડ ટીમને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ભાવનગર દ્રારા બાતમી મળતા કુલ ૩ (ત્રણ) ફ્લાઈગ સ્કૉવોડ ટીમ મહુવાની ફાતિમા સોસાયટીમાં પહોંચી સ્થળને કોર્ડન કરી નજર રાખી તુરંત પોલીસ બંદોબસ્ત મંગાવ્યો. સાથે જ ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ પણ સ્થળે પહોંચી જતા..પોલીસ અને ઇન્કમટેક્સ અધિકારીઓ દ્વારા સયુંકત રીતે કુલ ૩ જગ્યાઓ ઉપર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને કુલ ૯૯,૦૦,૨૨૦/- (નવ્વાણું લાખ બસ્સો વીસ રૂપિયા પુરા) ઇન્કમટેક્સ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે…જે વ્યક્તિઓ પાસેથી સદર જપ્ત કરાયેલ છે તેઓએ સદર રકમ ચૂંટણી સાથે કોઈ સંબંધ નથી તેવું પંચનામાં જણાવેલ છે.
મહુવા શહેરમાં નવા બસ સ્ટેન્ડ નજીક આવેલ ફાતેમા સોસાયટી માં બ્લોક નં.૩૦ અને બ્લોક નં.૭૭માં પૂર્વ બાતમીના આધારે ચૂંટણી પંચ અને મહુવા પોલીસ સ્ટેશનના ડી. વાય.એસ.પી. તથા પોલીસ સ્ટાફના કાફલા સાથે રેડ કરતા બંને બ્લોકના માલિક ફાતેમા સોસાયટીમાં રહેતા અને નવા બસ સ્ટેન્ડ નજીક આનંદ ધન કોમ્પલેક્સમાં પાન સોપારીનો વેપાર કરતા અમંન ટ્રેડિંગના માલિક અંજુભાઈ પંજવાની અને ફિરોઝ પંજવાણીના કબજામાંથી રૂ. ૯૯ લાખ રોકડા અને અન્ય બેનામી વહીવટ મળી આવતા ચૂંટણી પંચ દ્વારા કબજે લઈ આ રકમ ક્યાંથી આવી અને ક્યાં ઉપયોગમાં લેવાની હતી તે બાબતે તપાસ કાર્યવાહી હાથ ધરેલ છે.