ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાવનગર અને સુરત બંને વિસ્તાર આમ આદમી પાર્ટી માટે ચડાણ સરળ હોવાનું માનવામાં આવી રહ્યું છે ત્યારે આ વખતની ચૂંટણીમાં ભાજપ અને આપ બંનેના રાષ્ટ્રીય નેતાઓ ભાવનગરમાં સમયાંતરે આવી રહ્યા છે, વડાપ્રધાન મોદી ચૂંટણી જાહેર થયા બાદ ટૂંકા ગાળામાં બીજી વખત આગામી ૨૩મીએ ભાવનગર આવી રહ્યા છે. જાેકે, ચૂંટણીનો સતાવાર આ પ્રથમ પ્રવાસ છે. તેમ છતાં ૫૨ દિવસમાં મોદી ત્રણ વખત ભાવનગર આવે તે રાજકીય રીતે ઘણું જ મહત્વનું છે, તો આપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો ભાવનગરના પ્રવાસનો ઉપક્રમ બની ગયો છે તેમ કહીએ તો ખોટું નહિ ગણાય!
વિધાનસભાની ચૂંટણીમાં ભાવનગર જિલ્લામાં ખાસ કરીને ભાવનગર શહેરની પૂર્વ અને પશ્ચિમ વિધાનસભા બેઠક રાજકીય પક્ષો માટે મહત્વની હોય તે રીતે સભા સરઘસોના આયોજનો થઈ રહ્યા છે. ભાવનગર ખાતે આગામી ૨૩મીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા પશ્ચિમ મત વિસ્તારના ચિત્રા સ્વામિનારાયણ મંદિરના ગ્રાઉન્ડમાં યોજાશે જ્યારે ૨૬મી ના રોજ ભાવનગર શહેરમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની રેલી યોજાશે આથી ચૂંટણીના અંતિમ દિવસોમાં ગરમાવો આવશે.
૨૩ મી નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર પૂર્વ, પશ્ચિમ અને ભાવનગર ગ્રામ્યના ઉમેદવારના સમર્થનમાં જંગી જાહેર સભા કરશે જ્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ૨૬ મી નવેમ્બરે ભાવનગર આવી રહ્યા છે. તેઓ શહેરના ટાઉનહોલથી ખારગેટ સુધી અરવિંદ કેજરીવાલની રેલી યોજાશે. ભાવનગર પૂર્વ અને પશ્ચિમ બંને વિધાનસભા વિસ્તારની હદયને સ્પર્શતા વિસ્તારમાં કેજરીવાલની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.