વડાપ્રધાન મોદી આજે ભાવનગર શહેરમાં ચિત્રા માર્કેટિંગ યાર્ડ સામે, સ્વામીનારાયણ મંદિર પાછળના મેદાનમા જાહેરસભા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર છે. ત્યારે વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થા “ઝેડ પ્લસ, એસ.પી.જી. પ્રોટેકટી” મુજબ રાખવાની હોઈ મહાનુભાવની સલામતી વ્યવસ્થાના ભાગરૂપે આ મેદાનનાં બહારની બોર્ડરથી ૫૦૦ મીટરની બહાર તેમજ કાર્યક્રમ સ્થળે કોઈ અનધિકૃત ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી સલામતી વ્યવસ્થામાં ખલેલ ન પહોંચાડે તેવા હેતુથી પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરવા પોલીસ અધિક્ષક, ભાવનગરથી દરખાસ્ત રજુ થયેલ છે.
દરખાસ્ત મુજબના સ્થળે ડ્રોન (UAV) નો ઉપયોગ ન થાય તે અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ કરવાની જરૂર જણાતી હોઈ, ભારતના ફોજદારી કાર્યરીતી અધિનિયમ -૧૯૭૩ (૧૯૭૪ નો બીજો) ની કલમ -૧૪૪ હેઠળ મળેલ અધિકારની રૂઈએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર તા.૨૩.૧૧.૨૦૨૨ (દિન -૧) માટે ચિત્રા માર્કેટિંગ યાર્ડ સામે, સ્વામીનારાયણ મંદિર પાછળના મેદાન-સભા સ્થળની બહારની બોર્ડરથી ૫૦૦ મીટરની બહાર તેમજ કાર્યક્રમ સ્થળે ડ્રોન (UAV) નો ઉપયોગ કરવા અંગે પ્રતિબંધ ફરમાવેલ છે. આ જાહેરનામાનો ભંગ, ઉલ્લંઘન કરનારને ભારતના ફોજદારી અધિનિયમ (સને -૧૮૬૦ ના ૪૫ માં અધિનિયમ) ની કલમ -૧૮૮ મુજબ સજા થશે. જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલા લેવા માટે હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા ફરજ પરના અધિકારીને અધિકાર રહેશે.