ભાવનગરમાં ભાજપના ઉમેદવારોની જીત નિશ્ચિત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વયં આજે જંગી જાહેર સભા કરવા ભાવનગર આવી રહ્યા છે, સાંજે ચિત્રા માર્કેટિંગ યાર્ડ સામે સ્વામિનારાયણ મંદિર પાસેના ગ્રાઉન્ડમાં વડાપ્રધાન પ્રચાર સભા સંબોધશે. ભાવનગર પૂર્વ, પશ્ચિમ અને ભાવ.ગ્રામ્ય એમ ત્રણેય બેઠકના ઉમેદવારના સમર્થનમાં મોદી સભા કરશે, તેમની સભા સાથે જ ભાવનગરમાં ચૂંટણીના માહોલમાં ગરમાવો આવી જશે. જયારે કાલે ભાવનગરમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને સાંસદ શક્તિસિંહ ગોહિલ સભા યોજશે તો 26મીએ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ રોડ શો કરશે.


ભાવનગર શહેરના ચિત્રા માર્કેટીંગ યાર્ડ સામે આવેલ સ્વામિનારાયણ મંદિરની પાછળના મેદાન ખાતે આજે બુધવારે સાંજે પ.૩૦ કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેરસભા સંબોધશે. ભાવનગર પૂર્વ, પશ્ચિમ અને ગ્રામ્ય બેઠકના ઉમેદવારના સમર્થનમાં સભાનુ આયોજન કરવામાં આવેલ છે. વડાપ્રધાનના ભાવનગર ખાતેના પ્રવાસ કાર્યક્રમ અન્વયે કોન્વોય રૂટના રસ્તાઓ પૈકી કાળીયાબીડ પાણીની ટાંકીથી આર.ટી.ઓ. સર્કલ તથા આર.ટી.ઓ. સર્કલ થી નારી ચોકડી સુધી ભારે વાહનોની અવર-જવરથી ટ્રાફિક નિયમન ખોરવાય તેમ હોય, તેથી મહાનુભાવોની સુરક્ષાને ધ્યાને લઇ ટ્રાફિક નિયમન જળવાઈ રહે અને ટ્રાફિક સમસ્યા ઉભી ન થાય તે માટે ભાવનગર શહેરનાં આ રસ્તાઓ પર ભારે વાહનો (સરકારી ફરજ તથા મેડિકલ ઈમરજન્સી સિવાયના)ની અવર-જવર માટે સંપૂર્ણપણે બંધ કરવા જરૂરી જણાતા તા. ૨૩ નવેમ્બરે ૧૨ કલાકથી ૨૨ કલાક સુધી ભારે વાહન પ્રવેશબંધી ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવા અંગે પોલીસ અધિક્ષક, ભાવનગર દ્વારા દરખાસ્ત રજૂ થતા ગુજરાત પોલીસ અધિનિયમ- ૧૯૫૧ ની કલમ-૩૩(૧)(બી) હેઠળ મળેલ અધિકારની રૂએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર પાણીની ટાંકીથી આર.ટી.ઓ. સર્કલ તેમજ આર.ટી.ઓ. સર્કલ થી નારી ચોકડી સુધી દ્વારા ભારે વાહનો માટે પ્રવેશ બંધી જાહેર કરેલ છે.