વિધાનસભાની ચૂંટણીમાં ઇવીએમ, બેલેટ પેપર સહિતની સામગ્રી સાથે સ્ટાફને બુથ પર લાવવા લઈ જવા એસટીની બસો રોકવામાં આવશે. આ કારણે 1 ડિસેમ્બરે અને આગળના દિવસે એસટી બસની સેવા લંગડાશે. લગ્નસરાની સિઝનમાં પ્રવાસીઓનો પ્રવાહ વધશે આ સંજોગોમાં જ મતદાન આવી પડતાં લગ્નો વાળા પરિવારની મુશ્કેલી પણ વધી છે.
વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં ભાવનગરનો સમાવેશ થયો છે. 1 ડિસેમ્બરે મતદાન હોવાથી ચૂંટણી સ્ટાફ અને સામગ્રી લઈ જવા આવવા ચૂંટણી તંત્રએ ભાવનગર એસટી ડિવિઝન પાસે પ્રાથમિક તબક્કે 169 બસની માંગણી મૂકી છે, જેમાં સંખ્યામાં વધઘટ હજુ સંભવ છે. જયારે સુરક્ષા દળની વિવિધ ટુકડીઓને લાવવા લઈ જવા પણ એસટીની બસ રોકાશે. આમ ચૂંટણી સ્ટાફ ઉપરાંત સુરક્ષા કર્મીઓને લાવવા લઈ જવા પણ એસટી બસો રોકાશે. બીજી બાજુ આ દિવસોમાં ધૂમ લગ્નો છે તેથી એસટીમાં પ્રવાસીઓનો ધસારો પણ વધવાનો છે અને બસોની સંખ્યા પાંખી હશે. આ વાત ખાસ ધ્યાનમાં લઈ એસટીના યાત્રીઓએ તેમના આયોજનો ગોઠવવા હિતાવહ રહેશે.