ફીફા વર્લ્ડકપમાં સ્ટાર ફૂટબોલર રોનાલ્ડોની ટીમ પોર્ટુગલે ઘાનાને 3-2થી પરાજિત કર્યું છે. રસાકસીભર્યા મુકાબલામાં રોનાલ્ડોએ મેચનો પ્રથમ ગોલ પેનલ્ટી થકી કર્યો હતો. પ્રથમ હાફમાં બન્ને ટીમ એક પણ ગોલ કરી શકી નહોતી પરંતુ બીજા હાફમાં પાંચ ગોલ જોવા મળ્યા હતા જેમાંથી ત્રણ પોર્ટુગલે તો બે ગોલ ઘાનાએ ફટકાર્યા હતા.
આવી જ રીત્રે બ્રાઝીલ-સર્બિયા વચ્ચેની મેચમાં સ્ટાર ખેલાડી નેમારે ઈજાગ્રસ્ત થવાની સાથે સાથે ફાઉલનો રેકોર્ડ બનાવ્યો હતો આમ છતાં તેની ટીમ બ્રાઝીલ 2-0થી જીતવામાં સફળ રહી હતી. ટીમના મુખ્ય કોચ ટિટેએ કહ્યું કે ઈજા છતાં નેમાર વર્લ્ડકપમાં રમશે. સર્બિયા વિરુદ્ધ નેમારે નવ વખત ફાઉલ કર્યું હતું જે આ વર્લ્ડકપમાં એક રેકોર્ડ છે. બ્રાઝીલ વતી રિચાર્લિસને બન્ને ગોલ કર્યા હતા. તેણે પ્રથમ ગોલ 62મી મિનિટ અને બીજો ગોલ 73મી મિનિટમાં કર્યો હતો.
પોર્ટુગલ વતી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, જોઆઓ ફેલિક્સ અને રાફેલ લિઆઓએ ગોલ કર્યા હતા. જ્યારે ઘાના માટે આંદ્રે અયૂ અને ઓસ્માન બૂખારીએ ગોલ કર્યા હતા. આ સાથે જ રોનાલ્ડો સતત પાંચ વર્લ્ડકપમાં ગોલ કરનારો દુનિયાનો પ્રથમ ફૂટબોલર બની ગયો છે. તેણે દિગ્ગજ પેલે, મિરોસ્લાવ, મેસ્સી અને અવે સાલેરને પાછળ છોડી દીધા છે.
આ મેચમાં પોર્ટુગલે પોતાના ત્રણેય ગોલ 15 મિનિટની અંદર તો ઘાનાએ બન્ને ગોલ 16 મિનિટની અંદર કર્યા હતા. સીઆર સેવનના નામથી પ્રખ્યાત રોનાલ્ડો ઉપરાંત જોઓ ફેલિક્સ (78મી મિનિટ) અને રાફેલ લિયાઓ (80મી મિનિટ)એ ગોલ કર્યા હતા. પોર્ટુગલે 2006 બાદ પહેલીવાર પોતાનો પ્રથમ મુકાબલો જીત્યો છે. 2010માં આઈવરી કોસ્ટે ગોલરહિત ડ્રો પર પોર્ટુગલને રોક્યું તો 2014માં જર્મનીએ 0-4થી પોર્ટુગલને હરાવ્યું હતું. આવી જ રીતે 2018માં સ્પેને 3-3થી બરાબરીથી પોર્ટુગલને વર્લ્ડકપમાં પોતાની પ્રથમ જીત મેળવવા દીધી નહોતી.
મેદાન ઉપર ઉતરતાની સાથે જ રોનાલ્ડો રેકોર્ડ પાંચવાર વર્લ્ડકપમાં રમનારા પાંચ ખેલાડીઓની ક્લબમાં સામેલ થઈ ગયો છે. તેના ઉપરાંત મેસ્સી, એન્ટોનિયો કાર્બાજલ, લોથર મથાઉસ અને રાફેલ માર્કેજ જ આ મુકામ હાંસલ કરી શક્યા છે. દરમિયાન ઘાના વિરુદ્ધ પોર્ટુગલને પોતાની જીતની સરેરાશ 100% જાળવી રાખવી છે તો 37 વર્ષ 292 દિવસની ઉંમરે વર્લ્ડકપમાં ગોલ કરનારો રોનાલ્ડો બીજો ખેલાડી બન્યો છે. 18મા વર્લ્ડકપ મુકાબલામાં રોનાલ્ડોનો આ કુલ આઠમો ગોલ થયો હતો. રોનાલ્ડો પોતાના દેશ વતી વર્લ્ડકપમાં સૌથી વધુ મેચ રમનારો ફૂટબોલર બન્યો છે. આ મેચમાં પોર્ટુગલે 62% સમય સુધી તો ઘાનાએ 38% સમય સુધી બોલ પોતાના કબજામાં રાખ્યો હતો. જ્યારે રોનાલ્ડો 118 રેકોર્ડ ગોલ 192 મેચમાં પોર્ટુગલ તરફથી કરી ચૂક્યો છે.