છત્તીસગઢમાં ચૂંટણી વર્ષમાં ભૂપેશ સરકારે મોટો દાવ ખેલ્યો છે. તેમણે કેબિનેટ બેઠકમાં આરક્ષણ ક્વોટા વધારવાના બિલને મંજૂરી આપી દીધી છે. આ સુધારા બિલને વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. ત્યાંથી પાસ થયા બાદ રાજ્યમાં આદિવાસીઓને 32 ટકા અને ઓબીસીને 27 ટકા અનામત મળશે. જેને હવે સીએમ ભૂપેશ બઘેલનો મોટો દાવ માનવામાં આવી રહ્યો છે. ભૂપેશ કેબિનેટની ગુરુવારે મળેલી બેઠકમાં વસ્તીના હિસાબે અનામત આપવાના બિલને મંજૂરી આપવામાં આવી છે. આ શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં પ્રવેશ માટે લાગુ થશે.
છત્તીસગઢ સરકારે કહ્યું છે કે, જો આ સંશોધન બિલ પસાર થાય છે, તો રાજ્યમાં સંપૂર્ણ અનામત વધીને 76 ટકા થઈ જશે. આ બિલો પસાર કરવા માટે 1 અને 2 ડિસેમ્બરે રાજ્ય વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ, 2019માં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી જાહેરાત મુજબ, અનુસૂચિત જનજાતિ (ST)ને 32 ટકા અનામત મળશે જ્યારે અન્ય પછાત વર્ગો (OBC)ને 27 ટકા અને અનુસૂચિત જાતિને 13 ટકા અનામત મળશે.
અહી મહત્વની વાત એ છે કે, હજી સુધી અધિકારીઓ દ્વારા આર્થિક રીતે નબળા વર્ગ માટે નક્કી કરાયેલ અનામતનો ખુલાસો કરવામાં આવ્યો નથી. પરંતુ કેટલાક સ્થાનિક મીડિયા સંગઠનોનું કહેવું છે કે, EWS ક્વોટા ચાર ટકા રાખવામાં આવ્યો છે. કેબિનેટના નિર્ણયો વિશે માહિતી આપતાં રાજ્યના સંસદીય બાબતોના પ્રધાન રવિન્દ્ર ચૌબેએ કહ્યું કે, છત્તીસગઢ જાહેર સેવા (અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગ આરક્ષણ) સંશોધન અધિનિયમ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ સંબંધિત સુધારા બિલને મંજૂરી આપવામાં આવી છે.
આ તરફ મંત્રી કાવસી લખમાએ કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને અભિનંદન. તેમણે આજે કેબિનેટમાં ચર્ચા કર્યા બાદ હવે આદિવાસીઓ માટે 32%, અનુસૂચિત જાતિ માટે 13% અને પછાત વર્ગો માટે 27% અને સામાન્ય શ્રેણી માટે 4% પાસ કર્યા છે. હવે તેને વિધાનસભામાં મૂકવામાં આવશે. કોર્ટ દ્વારા દરેકનું રિઝર્વેશન રદ કરવામાં આવ્યું, આજે બે મહિના પછી આપણા સમાજના લોકો કર્ણાટક, તામિલનાડુ, મહારાષ્ટ્ર પણ ગયા અને અધિકારીઓ પણ ગયા સમગ્ર મંથન બાદ હવે કેબિનેટમાં પાસ થઈ ગયું છે.