પ્રધાનમંત્રી મોદી આવતીકાલે ફરી 2 દિવસના ગુજરાતના પ્રવાસે આવશે. 2 દિવસમાં પીએમ મોદી 7 સભાને સંબોધન કરશે. તેઓ આવતીકાલે ખેડા, નેત્રંગ અને સુરતમાં સભાને સંબોધન કરશે. જ્યારે પીએમ મોદીની 28 નવેમ્બરે અંજાર, જામનગર, પાલીતાણા અને રાજકોટમાં સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે અમિત શાહ એકજ દિવસમાં 5 જનસભા સંબોધશે, જ્યારે મલ્લિકાર્જુન ખડગે અને પીએમ મોદી પણ આવતીકાલે 2 દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. હાલ રાજ્યમાં બરાબરનો ચૂંટણીનો માહોલ જામ્યો છે અને તમામ રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. કેન્દ્રીય નેતાઓ ઉપરા ઉપરી રોડ શૉ અને સભાઓ ગજવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી આજે એક જ દિવસમાં 5 જનસભા સંબોધશે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ફરી પ્રચાર માટે ગુજરાત આવી રહ્યા છે. તો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ 2 દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.
ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. તેવામાં ભાજપ એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે 4 જિલ્લામાં 5 જનસભા સંબોધશે. અમિત શાહ અમરેલી, ભાવનગર, વડોદરા, અમદાવાદ અને અમરેલી જિલ્લામાં સભાઓ ગજાવશે. તો કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, ધર્મેન્દ્ર પ્રધાન, પરસોત્તમ રૂપાલા પ્રચાર કરશે. તેઓ પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં જાહેર સભાને સંબોધશે.