અમેરિકાએ ચીનની પ્રખ્યાત અને દિગ્ગજ ટેક કંપનીઓ પર મોટી કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, અમેરિકાએ ‘રાષ્ટ્રીય સુરક્ષા’ને ટાંકીને ચીનના ટેલિકોમ્યુનિકેશન સાધનો પર પ્રતિબંધ મૂક્યો છે. અમેરિકાએ ચીનની કંપની Huawei, ZTE સહિત પાંચ ચીની કંપનીઓ દ્વારા બનાવેલા સંદેશાવ્યવહારના સાધનોના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. રોઇટર્સના જણાવ્યા અનુસાર, જો બિડેન પ્રશાસને ચીનની હ્યુઆવેઇ ટેક્નોલોજીસ અને ઝેડટીઇના નવા ટેલિકોમ્યુનિકેશન સાધનોની મંજૂરી પર પ્રતિબંધ મૂક્યો છે કારણ કે તે યુએસની રાષ્ટ્રીય સુરક્ષા માટે ‘અસ્વીકાર્ય જોખમ’ છે.
યુએસ ફેડરલ કોમ્યુનિકેશન્સ કમિશનએ કહ્યું, ‘આજે અમે નવા નિયમો અપનાવ્યા છે જે સંચાર સાધનોને યુનાઇટેડ સ્ટેટ્સમાં આયાત અથવા વેચાણ માટે અધિકૃત થવાથી રાષ્ટ્રીય સુરક્ષા માટે અસ્વીકાર્ય જોખમ માનવામાં આવે છે. આ નિયમ Huawei અને ZTE સિવાય ચીની સર્વેલન્સ ઇક્વિપમેન્ટ નિર્માતા Dahua Technology Co Ltd, વિડિયો સર્વેલન્સ ફર્મ Hangzhou Hikvision Digital Technology Co Ltd અને ટેલિકોમ ફર્મ Hytera Communications Corp Pvt Ltd દ્વારા બનાવેલા સાધનોના વેચાણ અથવા આયાત પર પ્રતિબંધ મૂકે છે.
અમેરિકાના આ નિર્ણયનો અર્થ એ છે કે, હવે આ પાંચ કંપનીઓ ન તો ચીનમાંથી સામાન ખરીદી શકે છે અને ન તો અમેરિકામાં વેચી શકે છે અને ન તો તેમના ઉત્પાદનોને અમેરિકામાં વેચાણ માટે મંજૂરી આપવામાં આવશે. અમેરિકાએ એવા સમયે ચીનની દિગ્ગજ ટેક કંપનીઓ પર નિશાન સાધ્યું છે જ્યારે ચીન સાથે તેના સંબંધો વધુ બગડી રહ્યા છે. યુએસને ડર છે કે, બેઇજિંગ અમેરિકનોની જાસૂસી કરવા માટે ચીની ટેક કંપનીઓનો ઉપયોગ કરી શકે છે.