છત્તીસગઢ વિધાનસભામાં આખરે અનામત બિલ સર્વ સંમ્મતિથી શુક્રવારે પસાર થયું છે. જે અંતર્ગત અનુસૂચિત જનજાતિ માટે 32 ટકા, અન્ય પછાત વર્ગમાં માટે 27 ટકા, અનુસૂચિત જાતિ માટે 13 ટકા અને આર્થિક રીતે નબળા વર્ગ માટે ચાર ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી છે. વિધાનસભામાં બિલ પસાર થયા બાદ હવે રાજ્યમાં કુલ અનામત 76 ટકા થઈ ગયું છે. બિલ પાસ થયા બાદ સીએમ ભૂપેશ બધેલે પણ શુભકામના આપી હતી.
રાજ્યમાં અનામતનો મુદ્દો ત્યારે ઉઠ્યો, જ્યારે છત્તીસગઢ હાઈકોર્ટે ગત સપ્ટેમ્બર મહિનામાં વર્ષ 2012માં જાહેર રાજ્ય સરકારના સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે અનામતને 58 ટકા સુધી વધારવા માટેના આદેશના ફગાવી દીધો હતો. સાથે જ કહ્યું કે, 50 ટકાની મર્યાદાથી વધારે અનામત અસંવૈધાનિક છે. આ નિર્ણય બાદ રાજ્યમાં જનજાતિયો માટે અનામત 32 ટકાથી ઘટીને 20 ટકા થઈ ગયું હતું. રાજ્યમાં લગભગ 32 ટકા જનસંખ્યા જનજાતિઓની છે.