આજે બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થવા સાથે એક્ઝીટ પોલ શરૂ થશે અને જુદા જુદા રાજકીય વર્તારા સાથે કોણ જીતશે, કોણ હારશે તેના દાવા, અટકળો તેજ બનશે. દરમિયાનમાં ભાવનગરની ૭ પૈકી સૌથી વધુ ચર્ચા ભાવ.પશ્ચિમ બેઠકની થઈ રહી છે. અહી સીટીંગ ધારાસભ્ય એવમ કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી જંગમાં છે સામે કોંગ્રેસના કે.કે છે તો આમ આદમી પાર્ટી પણ હારજીતના સમીકરણ બદલવા મહત્વનું પરિબળ બની રહેશે. હાઈ પ્રોફાઈલ બનેલા આ જંગમાં જીતુભાઈ જીતશે કે પછી કે.કે. ગોહિલ તેની સર્વત્ર ચર્ચા થઈ રહી છે. જિલ્લામાં આ બેઠકની ચર્ચા સૌથી વધુ છે.
બીજા ચરણમાં આજે સાંજે મતદાન પૂર્ણ થવા સાથે વિવિધ એક્ઝીટ પોલને મંજૂરી મળશે આ સાથે દાવા અને અટકળોનું બજાર તેજ બનશે. ગુજરાતમાં કોની સરકાર બની રહી છે, ક્યો પક્ષ કેટલી સીટ મેળવશે ..? વિગેરે વિગેરે રાજકીય વર્તારા થશે. આ સાથે સ્થાનિક સ્તરે પણ અટકળો અને ચર્ચાઓ તેજ બનશે. ગુરૂવારે પરિણામ પૂર્વે અનેક ઉમેદવારની હાર જીત થઈ જશે.! ભાવનગર જિલ્લામાં ગત વિધાનસભા ચૂંટણીમાં તળાજાની એક બેઠક બાદ કરતાં અન્ય તમામ ૬ બેઠક ભાજપએ મેળવી હતી ત્યારે આ વખતે ભાજપ કેટલી મેળવશે, કોંગ્રેસની બેઠક વધશે કે નહિ ? અને ખાસ તો આપ પોતાનું ખાતું ખોલાવી શકશે કે કેમ ? તે ચર્ચા સૌથી વધુ છે.