ગુજરાતના મુઠ્ઠી ઉંચેરા લોક સેવક અને શિશુવિહાર સંસ્થાના સ્થાપક માનભાઈ ભટ્ટની સ્મૂતિમાં સતત ૩૨મો નાગરિક સન્માન સમારોહ ગઇકાલે રવિવારે શિશુવિહાર પ્રાંગણમાં યોજાયો હતો. મોરારીબાપુની અધ્યક્ષતામાં નાગરિક સન્માન સમારોહમાં અમદાવાદના પોલિયો ફાઉન્ડેશનના સ્થાપક અને સર્જન ડો. ભરતભાઈ ભગત તેમજ દેશના છેવાડેના આદિવાસી ગરીબ ભાઈ-બહેનોની સેવાર્થે અમેરિકાથી પરત આવી દાહોદના અંતરિયાળ વિસ્તારમા બાળ રોગ માટે હોસ્પિટલ ચલાવતા ડૉ. શ્રેયાબહેન શાહ તથા ગુજરાત રાજ્ય શિક્ષણ અને તાલીમભવનના પૂર્વ નિયામક ડૉ. નલિનભાઈ પંડિત તથા પેરેન્ટિગ ફોર પીસની રાજ્ય વ્યાપી મુવમેન્ટના કન્વિનર પ્રાધ્યાપક ડૉ. છાયાબહેન પારેખનું બાળવિકાસ માટેની ખેવનાઓનું મોરારીબાપુની પ્રેરક ઉપસ્થિતિમાં અભિવાદન કરવામાં આવ્યું હતુ.
પ્રતિકારભર્યો પુરુષાર્થ કરતા રહી પ્રભુ પ્રીત્યર્થે માનવસેવામાં વ્યસ્ત ગુજરાતના પ્રતિભા સંપન્ન નાગરિકોના સન્માનનો વર્ષ ૧૯૯૧થી પ્રારંભયેલ સદવિચારને ભાવનગરની સંસ્કાર ભૂમિથી આગળ વધારતા ચિત્રકૂટધામ તેમજ શિશુવિહાર દવારા પ્રત્યેકને રૂ/- ૫૦,૦૦૦, ખેસ, સ્મૃતિચિન્હથી વંદના કરવામાં આવી હતી.
મોરારિબાપુના સાનિધ્યમાં યોજાતા સમારોહ પ્રસંગે શિશુવિહાર સંસ્થા દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં વર્ષ ૨૦૦૯થી ચાલતી બાળ પુસ્તકાલય પ્રવૃત્તિ અંતર્ગત તમામ શાળાઓમાં ૧૦૦ પુસ્તકોનો સંપુટ અને જરૂરિયાતમંદ ૧૭૦૦ વિધાર્થીઓને સ્કૂલ કીટનું વિતરણ કરાયું છે.
આ પ્રસંગે બાળકો અને વયસ્કોની દ્રષ્ટિ ચકાસણી કાર્યમાં અનન્ય સેવા આપનાર સુધાબહેન કનુભાઈ શાહ ચેરીટેબલ ટ્રસ્ટ અને માતૃભાષા સંવર્ધન માટે કાર્યરત સ્વ. અનિલભાઈ શ્રીધરાણી પરિવારે સંસ્થાને ચેક અર્પણ કરી સન્માનિત કરવામાં આવેલ.
આ પ્રસંગે ગુજરાતના વિવિધ સામયિકોમાં પ્રકાશિત શિશુવિહારની પ્રવૃત્તિઓના લેખોનું સંકલન પુસ્તક ‘ શિશુવિહારનું નવચેતન’નું વિમોચન પૂજ્ય મોરારીબાપુના વરદ હસ્તે થયું હતુ
ભાવનગરની સેવા અને શિક્ષણની ઓળખરૂપ શિશુવિહાર પ્રાંગણમાં યોજાયેલ સન્માન સમારોહનું સંકલન સાગરભાઈ દવે તથા સંસ્થાના કાર્યકરોએ કર્યું હતું.