ભાવનગર જિલ્લાની ૭ વિધાનસભા બેઠકની ચૂંટણીમાં ભાજપને આ વખતે વધુ ૧ બેઠકનું નુકશાન થવાની અટકળો છે. ગત ૨૦૧૭ની ચૂંટણીમાં તળાજા બેઠક પર પંજાએ પકડ કસી હતી. જ્યારે મહુવા, પાલીતાણા, ગારિયાધાર, ભાવ. પૂર્વ, પશ્ચિમ અને ગ્રામ્ય બેઠકમાં કમળ ખીલ્યું હતું. આમ, ૬-૧ પરિણામ રહેલ. આ વખતે ૫-૨નું અનુમાન સેવવામાં આવી રહ્યું છે. ભાવનગર જિલ્લામાં બહુમત બેઠક ભાજપ જ મેળવશે તેમાં શંકાને સ્થાન નથી પરંતુ વધુ એક સીટનું નુકશાન થવાનું રાજકીય પંડિતોનું ગણિત છે.!
વિધાનસભા બેઠક દીઠ નજર કરીએ તો હાલ રાજકીય વિશ્લેષકોનું જે અનુમાન છે તે મુજબ ભાવનગર પૂર્વમાં ભાજપ માટે બેઠક સલામત માનવામાં આવે છે, પશ્ચિમની બેઠક પર ભાજપ કોંગ્રેસ વચ્ચે જંગ છે. આ બેઠક પર જ્ઞાતિ સમીકરણો મુખ્ય પરિબળ બનવાના એંધાણ છે. ઉપરાંત આમ આદમી પાર્ટી એ મેળવેલ મત પણ હારજીતના પરિણામ નક્કી કરવામાં રોલ ભજવશે. આથી કસોકસ જંગ કહી શકાય પરંતુ ભાજપનું પલ્ડું ભારે રહે તેવી અટકળ છે. એક માત્ર ભાવ. ગ્રામ્યની બેઠક પર ભાજપની જીત નિશ્ચિત છે. ગારિયાધાર બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારનું પલડું ભારે જણાય છે.
પાલીતાણા બેઠક પર કોંગ્રેસનું જોર દેખાય છે તો તળાજામાં ભાજપ આ વખતે બાજી મારશે અને પંજાની પકડ ઢીલી પડશે. મહુવામાં કોંગ્રેસનું જોર દેખાય છે આથી કસોકસ ગણવામાં આવે છે. ગારિયાધારને બાદ કરતાં અન્ય બેઠકો પર આમ આદમી પાર્ટીનો ઉમેદવાર વિજેતા બને તેવી સ્થિતિ જણાતી નથી. અન્ય ૬ બેઠકો પર ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે. હા, ચોક્કસ બેઠક પર આમ આદમી પાર્ટીએ મેળવેલા મત મુખ્ય બંને પક્ષના હારજીતના પરિણામ માટે મુખ્ય પરિબળ બની રહે તેવું બને, આમ અપક્ષ જેવી ભૂમિકા આમ આદમી પાર્ટીની રહેવા સભવ છે.!
મતદાન બાદ સૌરાષ્ટ્રના ઇન્ટર્નલ સરવેમાં જ્ઞાતિ ફેક્ટરની સીધી અસર સરવેમાં દેખાય છે. બાકી ૮મીએ ખબર પડે.