ભાજપ માટે ભાવનગર પશ્ચિમનો જંગ પ્રતિષ્ઠાભર્યો રહ્યો હતો. અહીં ગુજરાત સરકારના શિક્ષણ કેબિનેટ મંત્રી ચૂંટણી લડી રહ્યા હોવાથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ તેને હરાવી બેઠક કબ્જે કરવા એડીચોટીનું જાેર લગાવ્યું હતું અને પ્રચાર-પ્રસારમાં છેક સુધી ભારે ગરમાવો રહ્યો હતો તો પરિણામ પૂર્વે શિક્ષણમંત્રીની શાખ જળવાશે કે કેમ ? તે પ્રશ્ન પણ ઉઠ્યો હતો પરંતુ જે પરિણામો આવ્યા છે તે આશ્ચર્યજનક રહ્યાં છે. અહીં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને મળેલા કુલ મતનો સરવાળો કરીએ તો પણ ભાજપને ૧૫ હજાર કરતા વધુ મતની લીડ નીકળે છે !
ભાવનગર પશ્ચિમના જંગમાં કોંગ્રેસના ઉમેદવાર કે.કે. ગોહિલને ૪૩૨૬૬ કુલ મત મળ્યા છે તો આમ આદમી પાર્ટીના રાજેન શંકરભાઇ સોલંકી (રાજુ સોલંકી)ને ૨૬૪૦૮ મત મળ્યા છે. જે બન્નેનો સરવાળો ૬૯૬૩૪ થાય છે. તો ભાજપના ઉમેદવાર જીતુ વાઘાણીને ૮૫૧૮૮ મત મળ્યા છે જેમાંથી કોંગ્રેસ અને આપના બન્નેના મળીને ૬૯૬૩૪ બાદ કરીએ તો પણ ૧૫૫૫૪ મત વધે છે. આમ કોંગ્રેસ અને આપના સંયુક્ત મત કરતા પણ ભાજપને ૧૫ હજાર કરતા વધુ મતની લીડ મળી છે. ઉલ્લેખનીય છે કે, ભાજપના ઉમેદવાર તેના નજીકના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના કરતા ૪૧૯૨૨ની જંગી કહી શકાય તેવી લીડથી વિજેતા થયા છે.
રાજુ સોલંકીના નામધારી અપક્ષ ઉમેદવાર માત્ર ૩૭૧ મતમાં સમેટાયો !
ભાવનગર પશ્ચિમ બેઠક પર આમ આદમી પાર્ટીમાંથી રાજેનભાઇ શંકરભાઇ સોલંકી એટલે કે વિર માધાંતા ગ્રુપવાળા રાજુ સોલંકી ચૂંટણીનો જંગ લડી રહ્યા હતા તો તેમના જેવા જ નામ ધરાવતા સોલંકી રાજેશભાઇ શાંતિલાલએ અપક્ષ ઉમેદવારી કરી હતી. ચૂંટણીના છેલ્લા દિવસોમાં અપક્ષ ઉમેદવાર રાજેશ સોલંકીએ પોતે ભાજપને ટેકો આપી રહ્યા છે તેવી પત્રિકા પણ ફરતી થઇ હતી અને તે અંગે વિવાદ પણ થયો છે. આ મામલે પોલીસમાં પણ ફરિયાદ થઇ છે. જાે કે, ચૂંટણીના પરિણામ જાહેર થતા આ અપક્ષ ઉમેદવારના ફાળે માત્ર ૩૭૧ મત આવ્યાનું સામે આવ્યું છે.