ભાવનગર જિલ્લાની વિધાનસભાની સાત પૈકી છ બેઠક પર સૌથી વધુ મત મેળવવામાં ‘નોટા’ નોન ઓફ ધ અબાઉ ચોથા ક્રમે રહ્યું છે. વિધાનસભાની સાત બેઠકમાં ‘નોટા’ને કુલ ૧૬,૬૫૨ મત પડ્યા છે. એટલે કે આટલા મતદારોને કોઇપણ પક્ષનો ઉમેદવાર પસંદ આવ્યો નથી ! એકમાત્ર ગારિયાધાર બેઠકમાં રાષ્ટ્રીય હિન્દ એકતા દળના ઉમેદવાર અશોકભાઇ ચાવડાને ૨૩૧૬ મત મળ્યા છે. જ્યારે ‘નોટા’ને ૧૪૯૧ મત મળ્યા છે.
ભાવનગર જિલ્લાની અન્ય બેઠકો પર આંકડા જાેઇએ તો ૯૯ મહુવામાં ‘નોટા’ને ૨૬૧૯, ૧૦૦ તળાજામાં ૨૪૮૨, ૧૦૨ પાલિતાણામાં ૧૯૩૦, ૧૦૩ ભાવનગર ગ્રામ્યમાં ૨૯૧૭, ૧૦૪ ભાવનગર પૂર્વમાં ૨૭૯૬, ૧૦૫ ભાવનગર પશ્ચિમમાં ૨૪૧૭ મત સાથે ‘નોટા’ સૌથી વધુ મત મેળવવામાં ચોથા ક્રમે રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ભાવનગર પૂર્વની બેઠક પરથી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્કસિસ્ટ)ના અરૂણ મહેતા ચૂંટણી લડી રહ્યા હતા જેઓ ભાવનગરના પૂર્વ મેયર રહી ચુક્યા છે અને સીપીઆઇએમ રાષ્ટ્રીય પક્ષ છે. આ ચૂંટણીમાં સીપીઆઇએમના અરૂણ મહેતાએ આર્થિક ખર્ચ ઘણો જ કર્યો હતો અને જીતના મોટા મોટા દાવાઓ પણ થયા હતાં પરંતુ ઇવીએમ ખુલતા અરૂણ મહેતાને માત્ર ૧૭૯૯ મત જ હાથ લાગ્યા છે. તેના કરતા નોટાને વધુ મત એટલે કે ૨૭૯૬ મત મળ્યા છે. આ બેઠક પર અન્ય ઉમેદવાર બહુજન સમાજ પાર્ટીને ૫૪૧, વ્યવસ્થા પરિવર્તન પાર્ટીને ૧૭૮૧, રાઇટ ટુ રિકોલ પાર્ટીને ૫૧૫ અને અપક્ષ ઉમેદવારને ૪૯૩ મત કોઇપણ જાતના વધુ પડતા જાેર દેખાડ્યા વગર મળ્યા છે. આમ બહુ ગાજતા અરૂણ મહેતાને નોટાએ ધુળ ચાટતા કરી દીધા તેમ લોકોમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.