આર્જેન્ટિનાએ શાનદાર પ્રદર્શન કરીને FIFA વર્લ્ડ કપ 2022ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. લિયોનેલ મેસ્સીની આર્જેન્ટિનાએ મંગળવારે લુસેલ સ્ટેડિયમમાં રમાયેલી સેમિફાઇનલ મેચમાં છેલ્લી વખતના રનર અપ ક્રોએશિયાને 3-0થી હરાવ્યું. હવે 18 ડિસેમ્બરે યોજાનારી ફાઈનલ મેચમાં આર્જેન્ટીનાનો સામનો ફ્રાન્સ અને મોરોક્કો વચ્ચે રમાનારી બીજી સેમીફાઈનલના વિજેતા સાથે થશે.
આ જીત સાથે જ્યાં આર્જેન્ટિના હવે ત્રીજી વખત ટાઈટલ જીતવાથી એક ડગલું દૂર છે, ત્યાં લુકા મોડ્રિકની કેપ્ટન્સીમાં ક્રોએશિયાની પ્રથમ વખત ટાઈટલ જીતવાની આશા પર પાણી ફરી વળ્યું છે.
મેચમાં આર્જેન્ટિનાની ટીમની જીતના હીરો બે ખેલાડીઓ હતા. એક હતો કેપ્ટન લિયોનેલ મેસ્સી અને બીજો 22 વર્ષનો યુવા ખેલાડી જુલિયન અલ્વારેઝ. મેસ્સી અને અલ્વારેઝે સાથે મળીને એવી રમત દેખાડી કે વિરોધી ટીમ દંગ રહી ગઈ. 35 વર્ષીય લિયોનેલ મેસીએ એક અને જુલિયન અલ્વારેઝે બે ગોલ કર્યા હતા.
આર્જેન્ટિનાએ ગોલ કરવાના 11 પ્રયાસો કર્યા જેમાંથી 7 ટાર્ગેટ પર હતા… જ્યારે ક્રોએશિયાએ 12 વખત ગોલ કરવાનો પ્રયાસ કર્યો, જેમાંથી ત્રણ વખત ટાર્ગેટ પર હતા. એટલે કે તે દર્શાવે છે કે ક્રોએશિયાએ ગોલ કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ આર્જેન્ટિનાના ગોલકીપર માર્ટિનેઝ અને ડિફેન્ડર્સ પર કાબુ મેળવી શક્યા ન હતા. બોલની સ્થિતિની વાત કરીએ તો ક્રોએશિયન ટીમે 61 અને આર્જેન્ટિનાએ 39 ટકા બોલ પર કબજો રાખ્યો હતો.