ગુજરાત ના 18માં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથ લઇ લીધા છે અને મંગળવારે તેમણે મુખ્યમંત્રી કાર્યાલય ખાતે જઇને ચાર્જ સંભાળી લીધો હતો. મુખ્યમંત્રીનો પદભાર સંભાળ્યા બાદ મુખ્યમંત્રીનો સરળ અને આત્મિયતાભર્યો સ્વભાવ જોવા મળ્યો હતો. સામાન્ય રીતે મંત્રીઓ મુખ્યમંત્રીને મળવા જતાં હોય છે પણ સરળ સ્વભાવના ગણાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સાલસ સ્વભાવ અને આત્મિયતાભર્યો સ્વભાવ મંગળવારે મંત્રીઓ અને તેમના સમર્થકોને જોવા મળ્યો હતો.
મુખ્યમંત્રી સામે ચાલીને તમામ મંત્રીઓને મળવા પહોંચ્યા હતા અને તમામ મંત્રીને મળ્યા હતા. પોતાનો પદભાર સંભાળ્યા બાદ ખુદ મુખ્યમંત્રી મંત્રીઓની ચેમ્બરમાં મંત્રીઓને મળવા ગયા હતા. ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલમાં નવા મંત્રીઓ સાથે મુલાકાત કરીને તેઓ દરેક મંત્રીઓને વ્યક્તિગત મળીને શુભકામના પાઠવી હતી. મંત્રીઓએ પણ પોતાની ચેંબરમાં આવેલા મુખ્યમંત્રીને આવકાર આપીને સન્માન કર્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સંકુલમાં કેબિનેટ કક્ષાના સાત મંત્રીઓ અને સ્વર્ણિમ સંકુલ બેમાં એક કેબિનેટ મંત્રી ઉપરાંત બે સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રીઓ અને છ રાજ્યકક્ષાના હવાલો ધરાવતા મંત્રીઓને તેમની ચેમ્બરમાં રૂબરૂ જઈ શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પહેલાં તમામ મંત્રીઓને પોતાની ચેમ્બરમાં બોલાવી અને શુભકામનાઓ પાઠવી હતી ત્યારબાદ તમામ મંત્રીઓએ મોહરત પ્રમાણે પોતાની ઓફિસમાં આગમન કર્યું હતું.