સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા તા.૧૫ સુધી કમોસમી માવઠા થવાની કરેલી આગાહીના પગલે રાજ્યભરમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને શિતલહેર ગાયબ થઇ જવા પામી છે જેના પગલે આજે સવારે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓની સાથોસાથ ભાવનગર જિલ્લાના તળાજા અને મહુવા પંથકમાં કમોસમી વરસાદ થવા પામ્યો હતો જેના કારણે ખેડૂતોમાં ચિંતા પ્રસરી જવા પામી છે.
રાજ્યભરની સાથોસાથ ભાવનગર સહિત અનેક જિલ્લાઓમાં ડિસેમ્બર માસના પ્રારંભે શિયાળાની સિઝનનો અસલી મિજાજ શરૂ થયો હોય તેમ ઠંડી પડવાનું શરૂ થયું હતું અને તાપમાનનો પારો ૧૦ થી ૧૫ ડિગ્રી સુધી પહોંચી જવા પામેલ જેના કારણે લોકોએ શિતલહેરનો અનુભવ કર્યો હતો પરંતુ વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે હવામાન વિભાગ દ્વારા તા.૧૧ થી ૧૫ દરમિયાન સૌરાષ્ટ્ર અને ગુજરાતના જિલ્લાઓમાં વાતાવરણમાં પલ્ટા સાથે કમોસમી માવઠા પડવાની આગાહી કરવામાં આવી હતી જેના પગલે છેલ્લા ત્રણ દિવસથી શિતલહેર જાણે કે ગાયબ થઇ ગઇ હોય અને ઉનાળાનો પ્રારંભ થયો હોય તેવુું વાતાવરણ થઇ જવા પામ્યું છે. ભાવનગર શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં ૭.૮ ડિગ્રીનો વધારો થતા રાત્રિનું તાપમાન ૨૨.૮ ડિગ્રીએ પહોંચી જવા પામ્યું છે જે ભાવનગરમાં દિવાળી પહેલા રહેવા પામ્યો હતો.
હવામાન વિભાગ દ્વારા કમોસમી માવઠાની કરેલી આગાહીના પગલે આજે જિલ્લાના તળાજા અને મહુવા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે વરસાદના ઝાપટા પડ્યા હતા જેને કારણે ધરતીપૂત્રોમાં દોડધામ મચી જવા પામેલ. તળાજા પંથકના ગામડાઓમાં કમોસમી વરસાદના કારણે રસ્તાઓ ભીના થઇ જવા પામ્યા હતા અને કેટલીક જગ્યાએ તો રસ્તા પરથી પાણી ફરી વળ્યા હતાં. તળાજા અને મહુવા પંથકના બગદાણા, બોરડા, લોંગડી, ગુંદરણા સહિતના ગામોમાં સવારના સમયે કમોસમી વરસાદ પડ્યાના અહેવાલો મળી રહ્યા છે. કમોસમી વરસાદથી ખેતીકામ કરતા શ્રમિકોને પારાવાર મુશ્કેલીઓ પડી છે. આ માવઠાથી કપાસ, ડુંગળી, જુવાર અને ઘાસચારા સહિત ખરીફ પાકને નુકશાન થવાનો ભય પણ ધરતીપુત્રો દ્વારા વ્યક્ત કરાયો છે. જાે કે, આ માવઠાથી કેટલાક પાકને ફાયદો થવાનું પણ ગણાઇ રહ્યું છે. શિયાળાની સિઝનમાં કમોસમી માવઠાથી રોગચાળાની પણ દહેશત વ્યક્ત કરાઇ રહી છે.