ઈરાનમાં છેલ્લા ઘણા મહિનાઓથી મહિલાઓનું પ્રદર્શન ચાલી રહ્યું છે. હિજાબને લઈને શરૂ થયેલા વિવાદે હવે હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું છે.મહસા અમીનીના મોત બાદ ત્યાંની સ્થિતિ બેકાબૂ બની ગઈ છે. આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રે ઈરાનને તાત્કાલિક અસરથી મહિલા અધિકાર મંડળમાંથી બહાર કરી દીધું છે. આ ઠરાવ અમેરિકા દ્વારા યુએનમાં લાવવામાં આવ્યો હતો જેમાં 8 દેશોએ ઈરાન વિરુદ્ધ મતદાન કર્યું હતું અને 16 દેશોએ મતદાનથી દૂર રહ્યા હતા. ભારત આ મુદ્દે વોટિંગથી દૂર રહ્યું એટલે કે તેણે આ મામલે તટસ્થતાની નીતિ અપનાવી.
ઈરાનને આ મોટો ઝટકો આપવામાં અમેરિકાએ મોટી ભૂમિકા ભજવી છે. ગયા મહિને અમેરિકાએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું અને કહ્યું હતું કે, ઈરાનમાં મહિલાઓ પર થતા અત્યાચારોને નજરઅંદાજ કરી શકાય નહીં અને તેને યુએનની મહિલાઓ સંબંધિત વૈશ્વિક સંસ્થામાંથી બહાર રાખવાના પ્રયાસો કરવામાં આવશે. અમેરિકાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે, ઈરાનમાં મહિલાઓના માનવાધિકારને સતત કચડવામાં આવી રહ્યું છે, તેમને નબળા બનાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આ દલીલોને સમજીને યુએનએ અમેરિકાના આ પ્રસ્તાવને સ્વીકારી લીધો હતો અને બુધવારે મતદાન થયું હતું. વોટિંગ પછી આ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો અને ઈરાનને મહિલા અધિકાર સંસ્થામાંથી હાંકી કાઢવામાં આવ્યું.