ગેરકાયદે બાંધકામોને નિયમ મુજબ રેગ્યુલાઇઝ કરી આપવા રાજ્ય સરકારે વધુ એક વખત ઇમ્પેક્ટ ફી કાયદો અમલી બનાવ્યો છે જેના બે માસના અંતે પણ ભાવનગરમાં હજુ માત્ર ૭૮ આસામીઓએ ઓનલાઇન અરજી કરી છે. જાે કે, તે પૈકી ૩૭ અરજી સત્તાવાર માન્ય રહી છે બાકીનાએ રૂા.૧૦૦ની ફી નહીં ભરતા તેનું કામ હાથ પર લેવાયું નહીં હોવાનું જાણવા મળ્યું છે.
શહેરમાં બી.યુ. પરમિશન વગરના અનેક બિલ્ડીંગો આવેલા છે. થોડા મહિનાઓ પૂર્વે તેની સામે સિલીંગ કાર્યવાહી પણ મહાપાલિકાએ હાથ ધરી હતી. આ ઉપરાંત ગેરકાયદે નાના-મોટા બાંધકામોને ફી લઇને રેગ્યુલાઇઝ કરી આપવા ગુજરાત સરકારે કાયદો અમલી બનાવ્યો છે અને ગત તા.૧૭-૧૦-૨૨થી આગામી તા.૧૬-૨-૨૩ એટલે કે ૪ મહિના સુધી આ યોજના અમલી રહેશે. ભાવનગરમાં ગેરકાયદે બાંધકામોની ભરમાર છે પરંતુ નિયમોની આંટીઘુટી ગણો કે લોકોમાં જાગૃતિનો અભાવ. ભાવનગર મહાપાલિકાને હજુ સુધી માત્ર ૩૭ સત્તાવાર અરજી મળી છે. ઉલ્લેખનીય છે કે, ઇમ્પેક્ટનો લાભ લેવા અરજદારે ઓનલાઇન અરજી કરી સાથે ૧૦૦ રૂા.ની ફી પણ ભરવાની રહે છે અને આ તમામ કામગીરી ઓનલાઇન કરવાની થાય છે.