આવતીકાલે વિધાનસભા સત્રનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. સોમવારે નવા ચૂંટાયેલા ધારાસભ્યનો શપથ સમારોહ બાદ ગુજરાત વિધાનસભાનું એક દિવસીય સત્ર રાજ્ય સરકારે બોલાવ્યું છે. તારીખ 20 ડિસેમ્બરના રોજ એક દિવસીય સત્ર યોજાશે જેમાં સ્પીકર પદ માટે ચૂંટણી યોજાશે. તેમજ બપોરે 12 વાગ્યે યોજાનારી બીજી બેઠકમાં રાજ્યપાલનું સંબોધન પણ યોજાશે.
15મી વિધાનસભાની પ્રથમ સત્તાવાર બેઠક 20 ડિસેમ્બરના રોજ મળી રહી છે. નિયમ પ્રમાણે જોઈએ તો વિધાનસભાની પહેલી બેઠક શરૂ થાય તે સમયથી પાંચ વર્ષ સુધી જે તે વિધાનસભાની મુદત હોય છે. આમ, 15મી વિધાનસભાની પ્રથમ બેઠક 20 ડિસેમ્બર, 2022ના રોજ મળી રહી છે ત્યારે પાંચ વર્ષ પ્રમાણે જોઈએ તો 19 ડિસેમ્બર, 2027ના રોજ 15મી વિધાનસભાની મુદત પૂરી થશે.